કેન્દ્ર સરકારે દેશની તમામ શાળાઓ યથાવત ચાલુ રાખવાની સલાહ આપ્યા હોવા છતાં હવે દરેક રાજ્યના પ્રીમિયરે અલગ અલગ નીતિઓ અપનાવી છે.
આજે સવારે ૮ વાગ્યે NSWનાં પ્રીમિયર ગ્લેડીસ બેરેજીકલીયને જાહેર કર્યું છે કે સ્કૂલો ચાલુ રાખવામાં આવી છે પરંતુ તેઓ માતા-પિતાને અપીલ કરી રહ્યા છે કે બાળકોને સ્કુલ ના મોકલે. આવી વિરોધાભાસ સલાહ વિષે ચોખવટ કરતા તેમણે જણાવ્યું હતું કે જે વાલીઓ ખાસ કરીને હેલ્થ કેરમાં કામ કરતા લોકો માટે તેમના બાળકોને ઘરમાં રાખવા શક્ય નથી તેમને માટે સ્કુલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
જે વિદ્યાર્થીઓ શાળામાં હશે તેમને શિક્ષકો ભણાવશે અને જે બાળકો ઘરમાં છે તેમને માટે એજ લેસન ઓનલાઈન પૂરું પાડવામાં આવશે.
આ વ્યવસ્થા પહેલી ટર્મના અંત સુધી અમલમાં રહેશે.
વિકટોરિયામાં શુક્રવાર થી શરું થનાર વેકેશન મંગળવાર સુધી આગળ ખેંચી લેવામાં આવ્યું છે.
તો ACTમાં પણ વિદ્યાર્થીઓને શાળાએ નહિ જવાની સલાહ આપવામાં આવી છે. ACTમાં પણ NSW જેવી જ વ્યવસ્થા અમલમાં આવી રહી છે , જે માતા-પિતા બાળકોને ઘરમાં એકલા મૂકી શકે તેમ નાં હોય તે બાળકો માટે સ્કુલ ચાલુ રાખવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને એક સરખું ભણવવા ઓનલાઈન લેસન પુરા પાડવામાં આવશે.
ગઈકાલે વડાપ્રધાન સ્કોટ મોરીસને કહ્યું હતું કે જે માતા-પિતા તેમના બાળકોને સ્કુલ ના મોકલે તે બાળકો કોઈ જરૂરી કામ વિના ઘરની બહાર પણ ના જાય તેની ખાત્તરી કરવાની જવાબદારી માતા-પિતાની રહેશે.
આજે સવારે NSW રાજ્ય સરકાર તરફથી થયેલ જાહેરાતમાં પણ કહેવામાં આવ્યું છે કે લોકોભેગા ના થાય તેની ખાતરી કરવા પોલીસ અધિકારીઓ તહેનાત કરવામાં આવી રહ્યા છે.
તો વિકટોરિયાના પ્રીમિયરે જાહેર કર્યું છે કે 500 પોલીસ અધિકારીઓનું સમર્પિત ટાસ્કફોર્સ બિન-આવશ્યક સેવાઓ અને મુસાફરોના સેલ્ફ આઈસોલેશન પર નજર રાખવાનું કામ કરશે.
મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.
જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.
Share



