વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના કારણ લાગૂ કરવામાં આવેલા પાંચ દિવસીય કડક લોકડાઉનના અંતિમ દિવસે રાજ્યના પ્રીમિયરે તેને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.
પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાંચ દિવસના કડક લોકડાઉન દરમિયાન રાજ્યમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યાને કાબુમાં લેવામાં સફળતા મળી છે. તેથી જ ગુરુવારથી લોકડાઉન સમાપ્ત કરવામાં આવશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાઇરસના લગભગ 40,000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને એક પણ કેસનું નિદાન થયું નથી.
બુધવાર રાત્રીથી રાજ્યમાં કડક લોકડાઉન સમાપ્ત થઇ રહ્યું છે પરંતુ શુક્રવાર 26મી ફેબ્રુઆરી 2021 સુધી કેટલાક પ્રતિબંધો લાગૂ રહેશે. જે અંતર્ગત...
- 5 કિલોમીટરની અંદર જ મુસાફરીની મર્યાદા હટાવી લેવામાં આવી છે, અને ચાર કારણો સિવાય અન્ય કારણોસર પણ ઘરની બહાર જઇ શકાશે.
- જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
- ઘરની મહત્તમ 5 લોકો મુલાકાત લઇ શકશે.
- જાહેર સ્થળો પર 20 લોકોના મેળાવડાને મંજૂરી આપવામાં આવી છે.
- કર્મચારીઓ નોકરીના સ્થળ પર આવી શકશે, કાર્યસ્થળ તેમની કુલ ક્ષમતાના 50 ટકા કર્મચારીને સમાવી શકશે.
- શાળાઓ ગુરુવારથી શરૂ થશે, આ ઉપરાંત રીટેલ, હોસ્પિટાલિટી, ધાર્મિક ક્રિયા - મેળાવડા, લગ્નો, સામુદાયિક રમતો તથા મનોરંજનના સ્થળો પર શરૂ કરી શકાશે.