યુરોપીયન મેડિસીન્સ એજન્સી (EMA) ના જણાવ્યા અનુસાર, એસ્ટ્રાઝેનેકાની COVID-19 રસી બાદ વયસ્ક લોકોને લોહીની ગાંઠ થવા વચ્ચે સંબંધની શક્યતા છે.
યુનાઇટેડ કિંગડમની રસી નિયામક સંસ્થા જોઇન્ટ કમિટી ઓન વેક્સીન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશને 30 વર્ષની ઓછી વયના લોકોને એસ્ટ્રાઝેનેકા સિવાય અન્ય કોઇ રસી આપવાનું જણાવ્યું છે.
યુનાઇટેડ કિંગડમના વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, વાઇરસ સામે રક્ષણ આપવા માટે એસ્ટ્રાઝેનેકાની રસી અસરકારક છે પરંતુ યુવાનોને રસી લીધા બાદ લોહીની ગાંઠ થવાની નજીવી શક્યતા છે.
તેથી જ યુનાઇટેડ કિંગડમ અને યુરોપિયન યુનિયનના નિયમનકારો 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોને એસ્ટ્રાઝેનેકાની રસી નહીં આપવાની સલાહ આપી રહી છે.
યુનાઇટેડ કિંગડમની રસી નિયામક સંસ્થા જોઇન્ટ કમિટી ઓન વેક્સીન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે, યુનાઇટેડ કિંગડમમાં અત્યાર સુધીમાં રસીના 20 મિલીયન ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેમાંથી લોહીની ગાંઠ થવાના 79 કેસ નોંધાયા છે.
લોહીની ગાંઠ થવાના કારણે 19 લોકોના મૃત્યુ પણ થયા છે.
બીજી તરફ, યુરોપીયન મેડિસીન્સ એજન્સી (EMA) એ યુરોપમાં રસીના 34 મિલીયન ડોઝમાંથી લોહીની ગાંઠ થવાના 169 કેસ નોંધ્યા છે.
જેમાંથી મોટાભાગના કેસ રસી લીધાના બે અઠવાડિયાની અંદર 60 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં જોવા મળ્યા છે.
જોકે, યુરોપીયન મેડિસીન્સ એજન્સી તથા જોઇન્ટ કમિટી ઓન વેક્સીન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશને એસ્ટ્રાઝેનેકાની રસી તમામ વયજૂથના લોકો માટે સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.
ઓસ્ટ્રેલિયાની કેન્દ્રીય સરકારે દેશના આરોગ્ય અને રસી નિયામંક સંસ્થાને યુરોપિયન મેડિસીન્સ એજન્સીએ એસ્ટ્રાઝેનેકાની રસી તથા લોહીની ગાંઠના સંબંધ વિશે પ્રસ્તુત કરેલા તારણોનો અભ્યાસ કરવાનો આદેશ આપ્યો છે.

British authorities recommended Wednesday that the AstraZeneca COVID-19 vaccine not be given to adults under 30 where possible Source: AP
ઓસ્ટ્રેલિયામાં લોકોને એસ્ટ્રાઝેનેકાની રસી અપાઇ રહી હોવાના કારણે દેશની રસી વિતરણ યોજના માટે આ બાબત ખૂબ જ મહત્વની છે.
ઓસ્ટ્રેલિયાના ચીફ મેડિકલ ઓફિસર પૌલ કેલીએ ઓસ્ટ્રેલિયન નિયામક સંસ્થા આ દિશામાં તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારના પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, મહામારી દરમિયાન સરકારે આરોગ્યલક્ષી સલાહ અનુસરીને જે રીતે દેશના રહેવાસીઓને સુરક્ષા પૂરી પાડી હતી તે પ્રમાણે આગામી સમયમાં પણ લોકોના આરોગ્યની સલામતી સરકારની પ્રાથમિકતા રહેશે.

