કોરોનાવાઇરસના કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસને અસર પહોંચતા ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટ્સને આપવામાં આવતા પર્મેનન્ટ વિસામાં મોટો ઘટાડો નોંધાયો છે.
મળી રહેલી વિગતો પ્રમાણે, 30 જૂન સુધીમાં વર્ષ 2019-20ના નાણાકિય વર્ષમાં 140,366 લોકોને પર્મેનન્ટ વિસા આપવામાં આવ્યા હતા.
જે છેલ્લા 10 વર્ષનું સૌથી નિમ્ન સ્તર છે. સામાન્ય રીતે દર વર્ષે 175,000 લોકોને પર્મેનન્ટ વિસા આપવામાં આવતા હતા પરંતુ વર્ષ 2019માં સરકારે વર્ષ દરમિયાન આપવામાં આવતા પર્મેનન્ટ વિસાની સંખ્યા ઘટાડીને 160,000 કરવાનું નક્કી કર્યું હતું.
પર્મેનન્ટ માઇગ્રેશન અંતર્ગત સ્કીલ્ડ માઇગ્રેશન, પારિવારીક માઇગ્રેશન અને અમુક નક્કી કરેલી વિસા શ્રેણીનો સમાવેશ થાય છે.
ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ ડેપ્યુટી સેક્રેટરી અબુલ રીઝવીએ જણાવ્યું હતું કે, જે લોકો અગાઉથી જ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરી રહ્યા છે, તેમને પર્મેનન્ટ વિસા આપવામાં આવી રહ્યા છે.
આંકડા પર નજર કરીએ તો, ઓસ્ટ્રેલિયામાં અગાઉથી જ સ્થાયી થયા હોય તેવા 90,499 લોકોને પર્મેનન્ટ વિસા આપવામાં આવ્યા હતા. અગાઉના વર્ષે આ આંકડો 84,260 હતો.
જ્યારે, વર્ષ 2018-19માં 18,000 રીજનલ વિસા આપવામાં આવ્યા હતા.
કોરોનાવાઇરસના કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પ્રતિબંધ આવતા પર્મેનન્ટ વિસા આપવાની પ્રક્રિયામાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં, કેન્દ્રીય સરકારે 17 વ્યવસાયોની યાદી બહાર પાડી હતી. જે અંતર્ગત માઇગ્રન્ટ્સને વિસા આપવામાં પ્રાથમિકતા અપાશે.
એક્ટીંગ ઇમિગ્રેશન મંત્રી એલજ ટજે જણાવ્યું હતું કે, આગામી વર્ષ માટેનો માઇગ્રેશન કાર્યક્રમ ઓક્ટોબર મહિનામાં યોજાનારા બજેટમાં જાહેર કરાશે.
અગાઉ, કેન્દ્રીય સરકારે વર્તમાન નાણાકિય વર્ષમાં માઇગ્રેશનની સંખ્યામાં 85 ટકા સુધીનો ઘટાડો નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.