ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રહેતા ભારતીય મૂળના 29 વર્ષીય રવનિત કૌર 14મી માર્ચે તેમના ભારત ખાતેના ઘરેથી ગુમ થયા હતા અને લગભગ બે અઠવાડિયા જેટલા સમય બાદ હવે તેમનો મૃતદેહ પંજાબમાં ભાખરા કેનાલ પાસેથી મળી આવ્યો છે.
રવનિત કૌરના લગ્ન વર્ષ 2013માં થયા હતા. તેમને એક બાળક હતું અને હાલમાં તે બીજા બાળકના માતા બનવાના હતા.
ભારતીય પોલિસની તપાસ પ્રમાણે, તેમના પતિ જસપ્રિત સિંઘને અન્ય યુવતી સાથે સંબંધ હતો.
પંજાબ પોલિસના અધિકારી સંદીપ ગોયલે જણાવ્યું હતું કે, કાવતરું ઘડીને રવનિત કૌરની હત્યા કરવામાં આવી છે. અત્યારે મળી રહેલી માહિતી પ્રમાણે, રવનિતના ઓસ્ટ્રેલિયા રહેતા પતિ જસપ્રિત, જસપ્રિતની ગર્લફ્રેન્ડ કિરણ, તેની બહેન તારાનાજીદના નામ બહાર આવ્યા છે અને સંદીપ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધીમાં આ લોકોએ રવનિત કૌરના મૃત્યુમાં શું ભાગ ભજવ્યો હતો તેની જાણ થઇ શકી નથી.
રવનિત કૌર ગોલ્ડ કોસ્ટમાં નર્સ હતા. તે પોતાની ચાર વર્ષીય દિકરી સાથે ભારત ગયા હતા.
તેઓ માર્ચ 14ના રોજ ફિરોઝપુર શહેરથી ગુમ થયા હતા.

Ravneet Kaur Source: Supplied
રવનિત ગુમ થયા તે સમયે તેઓ તેમના પતિ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા, એવું તેમના પરિવારજનોનું માનવું છે
રવનિતના ભાઇ નરિન્દર સિંઘે આરોપ લગાવ્યો છે કે તેમની હત્યા અગાઉ તેમને બેભાન કરવામાં આવ્યા હતા.
નરિન્દર સિંઘે જણાવ્યું હતું કે, રવનિતના પતિએ તેને ઘરની બહાર રહેલી કારમાં બેસીને વાત કરવા કહ્યું હતું. તે કારમા બેઠા અને તે કાર થોડી દૂર ગઇ અને ત્યાં તેને કોઇ પદાર્થ દ્વારા બેભાન કરવામાં આવી અને તેની હત્યા કરીને તેનો મૃતદેહ ભાખરા ડેમ કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
પંજાબ પોલિસે જણાવ્યું હતું કે જસપ્રિત સિંઘના પ્રત્યાર્પણની માંગ કરશે. પરંતુ, જસપ્રિત સિંઘે SBSને જણાવ્યું હતું કે તેની પર કયા આધારે આરોપો ઘડાઇ રહ્યા છે તેની જાણ નથી.
જસપ્રિત સિંઘે ઉમેર્યું હતું કે, પત્ની રવનિત કૌરની હત્યા પાછળ તેનો કોઇ હાથ નથી. તે ભારત જશે અને ઘટના કેવી રીતે બની તેની તપાસ કરશે.
પરંતુ, જસપ્રિત સિંઘની તાત્કાલિક ઘરપકડ કરવામાં આવે તેવી ગોલ્ડ કોસ્ટના શીખ સમુદાયના સભ્યોની માંગ છે. સમુદાયના આગેવાન મન્નુ કાલાએ જણાવ્યું હતું કે ભારતમાં તેની પત્નીનું મૃત્યું થયું હોવા છતાં પણ જસપ્રિત સિંઘ ઓસ્ટ્રેલિયામાં સામાન્ય જીવન જીવી રહ્યો છે.
બીજી તરફ, એ જાણી શકાયું નથી કે જસપ્રિત સિંઘની ઘરપકડ ક્યારે કરવામાં આવશે.
ફેડરલ એટર્ની જનરલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રત્યાર્પણ અંગે ઓસ્ટ્રેલિયન સરકાર જાહેરમાં નિવેદન આપતી નથી. જ્યાં સુધી તે વ્યક્તિની ધરપકડ ન થાય અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી કોઇ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવશે નહીં.
Share



