ઓસ્ટ્રેલિયાએ રસીના બંને ડોઝ મેળવી લેનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે દેશમાં પ્રવેશવાના નિયમો હળવા કરવાનો નિર્ણય લીધો છે.
આ અઠવાડિયાના અંતથી, ઓસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટના 24 કલાકની અંદર આંતરરાષ્ટ્રીય મુસાફરો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરી શકે છે, તેમને PCR ટેસ્ટ કરાવવાની જરૂર નથી.
ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, PCR ટેસ્ટ વધુ સચોટ પરિણામ આપી શકે છે પરંતુ, ફ્લાઇટના 24 કલાકમાં કરેલા રેપીડ એન્ટીજન ટેસ્ટ દ્વારા મુસાફરને કોવિડ-19નો ચેપ લાગ્યો છે કે નહીં તે વિશે જાણી શકાય છે.
અગાઉ સાઉથ ઓસ્ટ્રેલિયા, ક્વિન્સલેન્ડ અને તાસ્મેનિયાએ રસીના બંને ડોઝ મેળવી લેનારા આંતરરાજ્ય મુસાફરો માટે ટેસ્ટની જરૂરીયાત હટાવી હતી.
આંતરરાષ્ટ્રીય આગમન કરતા પ્રવાસીઓ માટેના અન્ય નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત, જે કોઇ મુસાફરને કોવિડ-19 નિદાન થાય તે હવે 14 દિવસના બદલે 7 દિવસ બાદ ઓસ્ટ્રેલિયા આવી શકે છે.
મતલબ કે, વિદેશમાં કોવિડ-19 નિદાન થાય તેના 7 દિવસ બાદ તે મુસાફર ઓસ્ટ્રેલિયા આવી શકે છે.
આ નવા ફેરફાર 23 જાન્યુઆરી 2022, રાત્રે 1 વાગ્યાથી લાગૂ થશે.