ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ની રસી આપવાનું કાર્ય ઓક્ટોબર 2021 સુધીમાં સમાપ્ત થાય તેવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ, છેલ્લા કેટલાક સમયમાં રસીની આયાતમાં વિલંબ અને આરોગ્યલક્ષી મુશ્કેલીઓના કારણે તે મેળવી શકાય તેમ લાગતું નહીં હોવાની માહિતી મળી છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ફેસબુક પોસ્ટના માધ્યમથી જણાવ્યું હતું કે સરકારનો રસીકરણ કાર્યક્રમ માટે આગામી લક્ષ્યાંક નક્કી કરવાનો કોઇ ઇરાદો નથી.
વડાપ્રધાને ફેસબુકના માધ્યમથી પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર સુધીમાં રસીકરણ કાર્યક્રમ સમાપ્ત કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ, રસી ઉપલબ્ધ થવામાં વિલંબ અને ત્યાર બાદ આરોગ્ય સાથે સંકળાયેલી ચિંતાના કારણે કાર્યક્રમને અસર પહોંચી છે.
ઓસ્ટ્રેલિયન સરકાર આ વર્ષના અંત સુધીમાં રસીકરણ પૂરું કરવા માટે કટિબદ્ધ છે પરંતુ કાર્યક્રમમાં આવી રહેલી અડચણોના કારણે તે અનિશ્ચિત હોવાનું લાગી રહ્યું છે.

Minister for Health Greg Hunt and Prime Minister Scott Morrison at a press conference at Parliament House in Canberra. Friday, April 9, 2021. Source: AAP Image/Mick Tsikas
ઉલ્લેખનીય છે કે, એસ્ટ્રાઝેનેકાની રસી બાદ વિશ્વના કેટલાક દેશોમાં તેની આડઅસર જોવા મળતા ઓસ્ટ્રેલિયાએ 50 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને ફાઇઝરની રસીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.
ઓસ્ટ્રેલિયાએ તે માટે ફાઇઝરની રસીના 40 મિલીયન ડોઝનો કરાર કર્યો છે.
એપીડેમિયોલોજીસ્ટ મેરી લુઇસ મેક્લોસે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં દરરોજ 100,000 થી 120,000 લોકોને પણ જો રસી આપવામાં આવે તો પણ ઓસ્ટ્રેલિયામાં રસીકરણ કાર્યક્રમ પૂરો થવામાં લગભગ 2 વર્ષ જેટલો સમય થાય.
હાલમાં ઓસ્ટ્રેલિયામાં દરરોજ સરેરાશ 27,209 લોકોને રસી મળી રહી છે.
રસીકરણ કાર્યક્રમમાં GP પણ સામેલ
ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું હતું કે દેશના GP રસીકરણ કાર્યક્રમમાં ભાગ લેવા આતુર છે.
એસ્ટ્રાઝેનેકાની રસીના કારણે આડઅસર થાય તો ડોક્ટર્સને કાયદકિય પગલાંની ચિંતા અંગે આરોગ્ય મંત્રી હંટે જણાવ્યું હતું કે, 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ફાઇઝરની રસીનો વિકલ્પ ઉપલબ્ધ છે. ડોક્ટર અને દર્દી વચ્ચે ચર્ચા બાદ એસ્ટ્રાઝેનેકાની રસી પણ લઇ શકાય છે.


