ન્યૂ સાઉથ વેલ્સ સરકારે રાજ્યના હોસ્પિટાલિટી ઉદ્યોગને વેગ મળે તે માટે વાઉચર યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.
માર્ચના અંતથી શરૂ થઇ રહેલી આ યોજનાનો લાભ રાજ્યના તમામ 18 વર્ષથી મોટી ઉંમરના રહેવાસીઓને મળવાપાત્ર છે.
યોજનાની જાહેરાત કરતા ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને જણાવ્યું હતું કે, રાજ્યના વેપાર - ઉદ્યોગોને મદદ તથા પ્રોત્સાહન મળી રહે તે માટે 500 મિલિયન ડોલરની Dine & Discover યોજના અમલમાં મૂકવામાં આવી છે.

NSW Premier Gladys Berejiklian. Source: AAP
100 ડોલરની કિંમતના 4 વાઉચર
સરકારના Dine & Discover કાર્યક્રમ અંતર્ગત, રાજ્યમાં રહેતા વયસ્ક લોકો Service NSW પર અરજી કરીને 25 ડોલરના 4 વાઉચર મેળવી શકશે. તમામ વાઉચરની કુલ કિંમત 100 ડોલર થશે.
જેમાંથી 25 ડોલરના 2 વાઉચર ન્યૂ સાઉથ વેલ્સની રેસ્ટોરન્ટ્સ, કેફે, બાર, વાઇનરી, પબ તથા ક્લબ્સમાં વાપરી શકાશે. જોકે, વાઉચરનો ઉપયોગ સોમવારથી ગુરુવાર સુધી જ કરી શકાશે.
25 ડોલરની કિંમત ધરાવતા અન્ય 2 વાઉચર હેઠળ મનોરંજન સ્થળની મુલાકાત લઇ શકાશે, જેમાં લાઇવ મ્યુઝીક, આર્ટ તથા સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય છે. આ વાઉચર અઠવાડિયાના સાતેય દિવસમાં વાપરી શકાશે.
સર્વિસ ન્યૂ સાઉથ વેલ્સ વેબસાઇટના જણાવ્યા અનુસાર, આ યોજનામાં ભાગ લેનારા તથા કોવિડ સેફ અંતર્ગત રજીસ્ટર્ડ હોય તેવા વેપાર - ઉદ્યોગોમાં જ વાઉચર વાપરી શકાશે.
વાઉચરની અવધિ 30 જૂન 2021 સુધી રહેશે અને જાહેર રજાના દિવસે તેનો ઉપયોગ થઇ શકશે નહીં.
લાયકાત
- આ વાઉચર મેળવવા માટે વ્યક્તિની ઉંમર 18 કે તેથી વધુ હોવી જરૂરી છે.
- તથા, તે ન્યૂ સાઉથ વેલ્સના નક્કી કરાયેલા લોકલ ગવર્મેન્ટ એરિયા વિસ્તારમાં રહેતી હોય તે જરૂરી છે.

Source: Pixabay
વાઉચર ક્યારે વાપરી શકાશે
દરેક વાઉચર...
- એક વખત વાપરી શકાશે. (જો બિલની કિંમત 25 ડોલરથી ઓછી હશે તો બાકી રહેલું બેલેન્સ મળશે નહીં કે ફરીથી વાપરી શકાશે નહીં)
- યોજનામાં ભાગ લેનારા વેપાર - ઉદ્યોગોમાં
- વાઉચરની અવધિ શરૂ કે પૂરી થાય તેની વચ્ચેના સમયગાળામાં
વાઉચર કેવી રીતે નહીં વાપરી શકાય
- પબ્લિક હોલિડે એટલે કે જાહેર રજાના દિવસે
- વાઉચરના બદલે રોકડા નાણા મળશે નહીં
- ટેક અવે ફૂડ, આલ્કોહોલ, ટોબેકો, ગેમ્બલિંગ
વાઉચર મેળવવા શું જરૂરી
- MyServiceNSW એકાઉન્ટ
- ન્યૂ સાઉથ વેલ્સ ડ્રાઇવર લાઇસન્સ, મેડિકેર કાર્ડ, ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ જેવા 2 ઓળખપત્ર
- સર્વિસ ન્યૂ સાઉથ વેલ્સ એપ ડાઉનલોડ કરવા માટે એક મોબાઇલ ડિવાઇસ
વાઉચર કેવી રીતે મેળવી શકાય
- ‘Check your address’ બટલ પર ક્લિક કરો
- તમારા ઘરનું સરનામું ઉમેરી વાઉચર ક્યારે મેળવી શકાશે તેની વિગતો મેળવો
- જો લાયક તમે લાયક હોય તો 'Apply online' પર ક્લિક કરો
- MyServiceNSW Account માં લોગ ઇન કરો અથવા નવું બનાવો
- વાઉચર માટે અરજી કરવા બાકીની પ્રક્રિયા પૂર્ણ કરો.
જો સફળ થશો તો એક કલાકની અંદર Service NSW App માં ‘Vouchers’ બટન હેઠળ તમને વાઉચર જોવા મળશે. તમને Service NSW તરફથી વાઉચર ડાઉનલોડ કરવાનો ઇમેલ આવશે.
જો તમારી પાસે MyServiceNSW Account ન હોય અથવા તમે ઓનલાઇન અરજી ન કરી શકતા હોય તો 13 77 88 પર ફોન કરી શકાય છે.