ઓસ્ટ્રેલિયન કેન્દ્રીય સરકારે દેશની એરલાઇન્સ, હોટલ, કેરેવાન પાર્ક્સ, રેસ્ટોરન્ટ્સ, બાર, ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રમાં પ્રવાસીઓનો ધસારો થાય તે માટે 1.2 બિલિયન ડોલરનું સહાય પેકેજ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસની મહામારી બાદ ઓસ્ટ્રેલિયાનું અર્થતંત્ર 85 ટકા જેટલું બેઠું થયું છે. અને હવે સરકારનો આગામી લક્ષ્યાંક જે વેપાર ઉદ્યોગો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમને મદદ કરવાનો છે.
અડધા ભાવથી એરલાઇન ટિકીટ
દેશના પ્રવાસન ઉદ્યોગને મદદ કરવા માટે સરકારે અડધા ભાવે એરલાઇન ટિકીટની જાહેરાત કરી છે. તે ઉપરાંત, વેપાર - ઉદ્યોગોને સસ્તા દરથી લોન પણ પૂરી પાડવામાં આવશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર પ્રવાસન સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગો, એરલાઇન કંપની, ટુરિઝમ ઓપરેટર તથા ટ્રાવેલ એજન્ટ્સ મહામારી બાદ ફરીથી બેઠાં થઇ શકે તે માટે 800,000 જેટલી એરલાઇન ટિકીટ અડધા ભાવથી ઉપલબ્ધ કરાવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાના કારણે દેશના નાગરિકો આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી શકતા નથી. તેથી જ સ્થાનિક પ્રવાસન ઉદ્યોગોને મદદ મળી રહે તે માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
કયા ક્ષેત્રોને યોજનાનો લાભ મળશે
એપ્રિલથી જુલાઇ 2021 સુધી 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે એરલાઇન ટિકીટ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. જેમાં સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર નિર્ભર રહેતા 13 જેટલા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ 13 ક્ષેત્રોમાં ગોલ્ડ કોસ્ટ, કેઇન્સ, ધ વિટસન્ડેસ રીજીયન, ધ સનશાઇન કોસ્ટ, ઉલુરુ, એલિસ સ્પ્રિન્ગ્સ, લૌશેસ્ટોન, ડેવોનપોર્ટ, બ્રુનેઇ, બ્રૂમ, એવલોન, મેરિમ્બુલા અને કાંગારું આઇલેન્ડને સમાવાયા છે.

The Whitsundays in Queensland is one of the destinations included on the list of sites eligible for discounted flights. Source: Visit Whitsundays, Queensland, Australia
રુટ તથા ટિકીટના ચોક્કસ નંબરની હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ, દર અઠવાડિયે ક્વોન્ટાસ, વર્જીન તથા જેટસ્ટાર ફ્લાઇટ્સ દ્વારા લગભગ 46,000 જેટલી ટિકીટ અડધા ભાવથી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતા છે.
1લી એપ્રિલથી એરલાઇન્સની વેબસાઇટ દ્વારા આ યોજનાનો લાભ મેળવી શકાશે.
વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, યોજના અમલમાં મૂકાયા બાદ પ્રવાસન સ્થળોમાં કાર્યરત હોટલ, કેફે, તથા અન્ય વેપાર - ઉદ્યોગો વધુ પ્રવાસીઓને આકર્ષિત કરી શકશે અને તેમણે સરકારના સહાય પેકેજ પર આધારિત નહીં રહેવું પડે.
ઉપ-વડાપ્રધાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ અને રીજનલ ડેવલોપમેન્ટ મંત્રી માઇકલ મેકોર્મેકે જણાવ્યું હતું કે, નવા ટુરીઝમ એવિએશન નેટવર્ક સપોર્ટ (TANS) કાર્યક્રમ દ્વારા ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓને દેશના સ્થાનિક પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે પ્રોત્સાહન પ્રાપ્ત થશે.
અને, તેના દ્વારા જે-તે વિસ્તારમાં નોકરીની તકો વધશે.
આ ઉપરાંત, સરકારે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ માટે પણ વિવિધ યોજનાની જાહેરાત કરી છે.
જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદો ફરીથી ખુલશે ત્યારે દેશની ક્વોન્ટાસ અને વર્જીન જેવી કંપની યોગ્ય રીતે કાર્ય કરી શકે તે માટે તેમને સહાય અપાશે. જેની મદદથી લગભગ 8600 કર્મચારીઓની નોકરી યથાવત રહેશે.

Source: AAP
વર્તમાન સમયમાં એરપોર્ટ સિક્યોરિટી ચાર્જ, એરસર્વિસ ઓસ્ટ્રેલિયાની ફીમાં રાહત, રીજનલ વિસ્તારોમાં સબ્સિડી અને આંતરરાષ્ટ્રીય માલ-સામાનની હેરફેર માટે આપવામાં આવતી રાહત સપ્ટેમ્બર મહિના સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.