ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો વધુ 3 મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ ઇમર્જન્સીનો સમય 17મી માર્ચે સમાપ્ત થતો હતો પરંતુ તેને ત્રણ મહિના લંબાવવામાં આવ્યો છે.
એટલે કે દેશની સરહદો 17મી જૂન 2021 સુધી બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી ઓસ્ટ્રેલિયાના લગભગ 40,000 નાગરિકો દેશ બહાર ફસાઇ ગયા છે,
આ અંગે દેશના આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું હતું કે હ્યુમન બાયોસિક્યોરિટી ઇમર્જન્સી પીરિયડ લંબાવવામાં આવ્યો છે.
મતલબ કે મંજૂરી વગર કોઇ પણ મુસાફર ઓસ્ટ્રેલિયા આવી શકે નહીં કે દેશના નાગરિકો દેશ બહાર જઇ શકે નહીં.
ઓસ્ટ્રેલિયન સરકારે ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રોટેક્શન પ્રીન્સિપાલ કમિટી અને કોમનવેલ્થ ચીફ મેડિકલ ઓફિસરની સલાહ બાદ ઇમર્જન્સી લંબાવવાનો નિર્ણય લીધો છે. તેમ ગ્રેગ હંન્ટે જણાવ્યું હતું.
હંટે વધુમાં ઉમેર્યું હતું કે, અન્ય દેશોમાં કોરોનાવાઇરસની વણસી રહેલી પરિસ્થિતીની અસર ઓસ્ટ્રેલિયાના લોકોના આરોગ્ય પર પણ થઇ શકે છે. તેથી જ દેશના રહેવાસીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરહદો પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.
વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયાના નાગરિકો, પર્મેનન્ટ રેસીડન્ટ્સ અને તેમના નજીકના પરિવારજનો જ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરી શકે છે.
જોકે, તેમને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ બાદ સ્વખર્ચે 14 દિવસ હોટલ ક્વોરન્ટાઇન થવું પડે છે.
વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 211,000 લોકો ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે.
ઇમર્જન્સીનો સમય લંબાવવાના કારણે ક્રૂઝ શિપ દ્વારા પણ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરી શકાશે નહીં.