અગાઉ જૂન મહિનામાં કેન્દ્રીય સરકારે મેલ્બર્નમાં ચોથા લોકડાઉનના કારણે કોવિડ - 19 ડિઝાસ્ટર પેમેન્ટની જાહેરાત કરી હતી. તે હવે સિડની લોકડાઉનમાં પણ લાગૂ થશે.
જુલાઇ 1થી જે લોકો સિટી ઓફ સિડની, વેવર્લી, વૂલાર્હા, ધ ઇનર વેસ્ટ, રેન્ડવિક, કેનેડા બે તથા બે સાઇડ વિસ્તારોમાં રહે છે તેઓ આ પેકેજ મેળવી શકશે.
સૌ પ્રથમ આ વિસ્તારોમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના 8મા દિવસથી તેઓ આ ચૂકવણી મેળવી શકશે.
ત્યાર બાદ ગ્રેટર સિડની, બ્લૂ માઉન્ટેન્સ, ધ સેન્ટ્ર કોસ્ટ તથા વોલોંગોન્ગ વિસ્તારોનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પેકેજ મેળવવાની શરતો
- હોટસ્પોટમાં રહેતા કે કાર્ય કરતા હોવા ઉપરાંત તમારી ઉંમર 17 કે તેથી વધુ હોય તે જરૂરી છે.
- તમારે એ સાબિત કરવું પડશે કે 8 દિવસ કે ત્યાર બાદથી લોકડાઉનના કારણે આવક મેળવી શક્યા નથી.
- તમારી પાસે પેઇડ લિવની સુવિધા નથી - આ પેકેજ કેઝ્યુઅલ કર્મચારીઓને લાગૂ પડશે.
- તમારે સાબિત કરવું પડશે કે તમારી પાસે 10,000થી વધુની રોકડ મિલકત નથી. જો 10,000 ડોલરથી વધુની રોકડ મિલકત હશે અને લોકડાઉનના કારણે નોકરી નહીં જઇ શકાય તો પણ આ પેકેજનો લાભ મળશે નહીં.
- જો તમે સેન્ટરલિંક કે કોવિડ-19 સાથે સંકળાયેલી અન્ય સુવિધા મેળવતા હશો તો તમે આ પેકેજનો લાભ નહીં લઇ શકો.
કેટલી સહાય મળશે
- જો તમે 20થી વધુ કલાક રોજગાર ગુમાવ્યું હશે તો તમે 500 ડોલરની સહાય મેળવી શકશો.
- 20થી ઓછા કલાક ગુમાવનારા લોકોને 325 ડોલર મળશે. જોકે, આ સહાય ટેક્સને પાત્ર છે.
કેવી રીતે અરજી કરી શકાય
- સહાય પેકેજ માટેની અરજી myGov એકાઉન્ટ પરથી થશે.
- તમારે myGov એકાઉન્ટને સેન્ટરલિંક ઓનલાઇન એકાઉન્ટ સાથે જોડવું પડશે.
- અન્ય વિસાધારકોએ સેન્ટરલિંકને 180 22 66 પર ફોન કરીને તેમની વિગતો આપવાની રહેશે.
- ફોન લાઇન સોમવારથી શુક્રવાર સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત છે.



