ક્વોન્ટાસમાં મુસાફરી કરતા લોકો માટે માઠા સમાચાર છે. ક્વોન્ટાસે પોતાની સ્થાનિક હવાઇ યાત્રા કરતા મુસાફરો માટે જમવાના વિકલ્પને મર્યાદિત કરી દીધા છે. જેની અસર સીધી શાકાહારી ભોજન કરતા લોકો પર થશે. ક્વાન્ટસે સ્થાનિક યાત્રા દરમિયાન એવા આહાર વિકલ્પો નહીં આપે કે જે મુસાફરોની જરૂરીયાતોને પૂર્ણ કરે છે.
મુસાફરી દરમિયાનના અનેક પ્રશ્નો, ફરીયાદો જેમ કે વિલંબિત અને રદ્દ કરેલી ફ્લાઇટ્સ, હવાઇ મથક પર લાંબી કતારો અને સામાન ખોવાઇ જવો, આવી બધી મુસાફરીને લગતી સમસ્યાની સાથે હવે ફૂડ ઓપ્શનની સમસ્યાથી મુસાફરો હેરાન થઇ રહ્યા છે.
જ્હોન ડીન કે જેઓએ પોતાની મુસાફરી દરમિયાન સેવાથી કંટાળીને ટ્વીટર પર લખ્યું હતું કે, રવિવારે એડિલેડથી સિડની જતી ફ્લાઇટમાં એરલાઇન્સ દ્વારા શાકાહારીનો વિકલ્પ આપવામાં જ આવ્યો ન હતો.
તેઓએ લખ્યું હતું, “હું એડિલેડથી સિડની ફ્લાઇટમાં છું- મને જાણ કરવામાં આવી છે કે ક્વોન્ટાસ હવે (પર્થ સિવાયની) ડોમેસ્ટીક ફ્લાઇટમાં શાકાહારી આહાર પીરસશે નહીં .
મને ક્રુ દ્વારા જણાવવામાં આવ્યું કે બધા માટે એક સરખું ભોજન પીરસવાનો નિર્ણય લેવાયો છે."
તેમની આ ટ્વીટને સેંકડો પ્રતિસાદ મળી રહ્યા છે અને અન્ય કંટાળેલા મુસાફરો પણ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
પ્રભા ફાસમેને લખ્યું, “મને ગયા મહિને ક્વોન્ટાસની બે ફ્લાઇટ્સમાં સમાન અનુભવ થયો હતો.”
તેઓએ લખ્યું હતું કે તેઓને એક તરફ ચિકન અને બીજી તરફ હેમ આપવામાં આવ્યું હતું અને ખૂબ જ ઓછો નાસ્તો કહી શકાય તેવી સોય રાઇસ ક્રેકર્સની નાની બેગ આપવામાં આવી હતી.
ટ્વીટર પર મળતા પ્રતિસાદ બાદ ક્વોન્ટાસના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે કોવિડ-19 દરમિયાન જે ક્રુ સભ્યો ફ્લાઇટમાં છે તેઓ ભોજન પીરસવાની સેવા અને અન્ય સર્વિસ સારી રીતે પ્રદાન કરી શકે, તેમનું કામ સરળ બનાવવા માટે આ ફેરફારો કર્યા છે.
પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે અમે હવે અમારી ટૂંકી ફ્લાઇટમાં એક જ ભોજન કે નાસ્તાનો વિકલ્પ રાખ્યો છે જેમ કે ચિકન પાઇ અથવા ઝુકીની અને ડુંગરીના ફ્રિટાટા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો કોઇ ચોક્કસ ફ્લાઇટમાં શાકાહારી માટે યોગ્ય વિકલ્પ ન હોય તો અમે નાના સ્વાદિષ્ટ અને મીઠા નાસ્તાનો વિકલ્પ આપવાનો પ્રયાસ કરીએ છીએ.
વધુમાં તેમણે ઉમેર્યું કે લાંબી સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય ફ્લાઇટ્સ પર, મુસાફરો શાકાહારી, વેગન, ગ્લુટેન કે ડેરી ફ્રી વિકલ્પો સહિત ભોજનનું અગાઉથી બુકિંગ કરી શકે છે.
ઓગસ્ટ મહિનામાં ક્વોન્ટાસે જાહેર કર્યું હતું કે, “રોગચાળાથી ઊભી થયેલી કટોકટી હવે પૂરી થઇ ગઇ છે અને અગાઉના વર્ષના 1.7 બિલિયન ડોલરની ખોટની સરખામણીમાં 30 જૂન સુધીમાં 860 મિલિયન ડોલરનું નુકશાન નોંધાયું છે.
એરલાઇને કહ્યું છે કે તેઓ હવે વર્તમાન પડકારોને ધ્યાનમાં રાખીને તેની ભાવી યોજનાઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.