ઓસ્ટ્રેલિયામાં બેરોજગારીનો સામનો કરી રહેલા લગભગ 1.2 મિલિયન લોકોને રાહત આપવા માટે સરકારે જોબસીકરની ચૂકવણીમાં વધારાની જાહેરાત કરી છે. હવે તેમને દરરોજ 3.57 ડોલર તથા દર પખવાડિયે 50 ડોલરની વધુ ચૂકવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાઇરસ સહાયતા પેકેજ અંતર્ગત 150 ડોલરની ચૂકવણી થતી હતી. જે માર્ચ 31થી સમાપ્ત થઇ રહી છે.
હાઇલાઇટ્સ
- જોબસીકરની ચૂકવણી અંતર્ગત હવે પખવાડિયે 615.70 ડોલર મળશે.
- કોરોનાવાઇરસ સહાયતા પેકેજ 31 માર્ચથી બંધ થશે.
- નોકરી ઇચ્છુક લોકોએ દર મહિને નોકરી માટે કરેલી તપાસની સંખ્યા માર્ચ મહિનાના અંતથી 15 થશે.
વડાપ્રધાન સ્કોટ મોરિસને મંગળવારે આ અંગે જાહેરાત કરી હતી. વિવિધ સંસ્થાઓ, વેપાર સમૂહો અને વિરોધ પક્ષના નેતાઓએ કોરોનાવાઇરસ અગાઉ કરવામાં આવતી ચૂકવણી પૂરતી ન હોવાનું જણાવી સહાયતા પેકેજમાં વધારો કરવાની માંગ કરી હતી.
ALSO READ

જોબસિકરની ચૂકવણીમાં વધારાની માંગ
વડાપ્રધાને જણાવ્યું હતું કે, દરેક ઓસ્ટ્રેલિયનના જીવન તથા તેમની આજીવિકાને બચાવવી તે અમારી સરકારની ફરજ છે.
અગાઉ ઓસ્ટ્રેલિયામાં બેરોજગારીનો સામનો કરી રહેલા લોકોને પખવાડિયે 565.70 ડોલર એટલે કે દરરોજ 40 ડોલરની ચૂકવણી કરવામાં આવી હતી.
નવી ચૂકવણી અંતર્ગત દિવસના હવે લગભગ 44 ડોલર તથા દર પખવાડિયે 615.70 ડોલર મળશે. જે દરરોજની ચૂકવણીમાં 25 ડોલરના વધારાની માંગ કરતા ઘણું ઓછું છે.
રોજગાર મંત્રી મિચેલિયા કેશે જણાવ્યું હતું કે નોકરી ઇચ્છુક લોકોએ દર મહિને નોકરી માટે કરેલી તપાસની સંખ્યા માર્ચ મહિનાના અંતથી 15 થશે. અને તે 1લી જુલાઇથી કોરોનાવાઇરસ અગાઉની પરિસ્થિતીના સ્તર મુજબ 20 થશે.




