વડાપ્રધાન સ્કોટ મોરિસને વીકેન્ડ દરમિયાન કેનબેરાથી સિડનીની મુસાફરી કર્યા બાદ તેમની ટીકા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ન્યૂ સાઉથ વેલ્સ તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં કોવિડ-19ના કારણે લોકડાઉન હોવાથી મુસાફરી પર પ્રતિબંધ છે.
વડાપ્રધાન સ્કોટ મોરિસને શુક્રવારે RAAF VIP જેટમાં સિડની મુસાફરી કરી હતી અને ફાધર્સ ડે સહિત વીકેન્ડ સિડનીમાં પસાર કર્યો હતો.
ત્યાર બાદ તેઓ સોમવારે કેનબેરા પરત ફર્યા હતા.
વડાપ્રધાને આ અંગે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, હું લોકોની હતાશા સમજી શકું છું. પરંતુ, આ બાબતે કેટલીક ખોટી માહિતી પ્રસિદ્ધ થઇ છે.
હું સિડનીમાં રહું છું અને કેનબેરા કામ અર્થે આવું છું. તેથી જ ઘરે પરત જવા માટે મારે કોઇ મંજૂરીની જરૂરીયાત નથી.
બીજી તરફ, વડાપ્રધાનની ઓફિસ દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, તેમને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી આરોગ્ય વિભાગ દ્વારા કેટલીક શરતો સાથે કેનબેરા પરત ફરવાની મંજૂરી મળી હતી.
જેમાં ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં મર્યાદિત હલનચલન તથા સમયાંતરે કોવિડ-19 ટેસ્ટ જેવી શરતોનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયન લેબર પક્ષના ટોચના નેતા બિલ શોર્ટને વડાપ્રધાનના પ્રવાસની ટીકા કરી છે. તેમણે ચેનલ 9ને જણાવ્યું હતું કે સમગ્ર ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ હાલમાં કોવિડ-19ના લોકડાઉનના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
મોટાભાગના લોકો તેમના પરિવારજનોને મળી શકતા નથી. તેથી વડાપ્રધાન માટે અલગ નિયમ અને સામાન્ય લોકો માટે અલગ નિયમ હોય તે યોગ્ય નથી.
વડાપ્રધાનની ઓફિસ દ્વારા બિલ શોર્ટનના આક્ષેપોનો જવાબ આપવામાં આવ્યો નથી.
હાલમાં વડાપ્રધાન લેવલ-3ના ઘરે જ રહેવાના નિયંત્રણો હેઠળ છે. મતલબ કે, તેઓ જરૂરી કાર્ય માટે સંસદીય ગૃહની મુલાકાત લઇ શકે છે.