કોરોનાવાઇરસના સમયમાં ભાડુઆતોને તેમનું મકાનમાલિક કે એજન્ટ સાથે બાકી રહેલું ભાડું ચૂકવવા તથા વાટાઘાટ કરવા માટે વધુ 6 મહિનાનો સમય આપવામાં આવશે.
26 માર્ચથી ઘરનિકાલ સામે આપવામાં આવેલી રાહત સમાપ્ત થઇ રહી છે ત્યારે ન્યૂ સાઉથ વેલ્સ સરકારે રાજ્યના રહેવાસીઓ માટે આ નિર્ણય લીધો છે.
ન્યૂ સાઉથ વેલ્સના બેટર રેગ્યુલેશન એન્ડ ઇનોવેશન મંત્રી કેવિન એન્ડરસને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાથી જે ભાડુઆતનું ભાડું બાકી હશે તેને નવા નિર્ણયથી રાહત થશે.
અને, ભાડું ચૂકવવા માટે તેમને વધુ સમય પ્રાપ્ત થશે.
તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાવાઇરસની મહામારી બાદ અર્થતંત્ર ધીરે - ધીરે બેઠું થઇ રહ્યું છે અને બેરોજગારી દર નિયંત્રણમાં આવી રહ્યો છે.
તેથી જ, ભાડા અંગેના કાયદા ફરીથી સામાન્ય કરવા માટે આ યોગ્ય સમય છે.
હવે, ભાડુઆતો જો તેમનું ભાડું ચૂકવવા અંગે નક્કી કરવામાં આવેલી શરતો અનુસરવામાં નિષ્ફળ જશે ત્યારે જ તેમનો ઘરનિકાલ થશે.
બાકી રહેલા ભાડાની રકમ વધુ હશે તો પણ ભાડુઆતને બ્લેકલિસ્ટની યાદીમાં નહીં મૂકી શકાય.



