ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓએ ભારતથી આવેલા માલ-સામાનની વચ્ચે છુપાવવામાં આવેલા ડ્રગ એફેડ્રીન (ephedrine) ને ઝડપી લીધું છે.
મળતી માહિતી પ્રમાણે, 17મી ડીસેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓએ સિડની કન્ટેઇનર એક્ઝામિનેશન ફેસિલિટી ખાતે એર કાર્ગો દ્વારા થઇ રહેલા માલસામાનની હેરફેરની ચકાસણી કરી હતી.
જેમાં 3.5 મિલિયન ડોલરની કિંમત ધરાવતા લગભગ 50 કિલો એફેડ્રિનના પાવડરને ભારતથી નિકાસ થયેલા વાહનના પાર્ટ્સ ધરાવતા માલસામાનની વચ્ચે છુપાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
જપ્ત થયેલા પાવડરની ચકાસણી કરવામાં આવતા તે એફેડ્રિન હોવાનું નક્કી થયું હતું. ઘટનાનો ખુલાસો થયા બાદ સ્ટેટ ક્રાઇમ કમાન્ડ્સ ડ્રગ્સ એન્ડ ફાયરઆર્મ્સ સ્ક્વોડે સમગ્ર માલાસામાન જપ્ત કરી લીધો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
સ્ટ્રાઇક ફોર્સ રેપ્ટર હાઇવેની મદદથી અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં તેમણે 21મી ડીસેમ્બરે, 39 તથા 48 વર્ષીય બે વ્યક્તિની ધરપકડ કરી હતી.
ત્યાર બાદ વધુ માહિતી મળતા બેન્ક્સટાઉન અને પિકનીક પોઇન્ટ વિસ્તારમાં આવેલા બે મકાનમાં તપાસ કરવામાં આવતા અધિકારીઓએ પ્રતિબંધિત ડ્રગ્સ, દસ્તાવેજો, કમ્પ્યુટર તથા ઇલેક્ટ્રોનિક સ્ટોરેજ ડિવાઇસ જપ્ત કર્યા હતા.
તેમણે લગભગ 50,000 ડોલરની કિંમત ધરાવતા 50 કિલો આયોડિનનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.
એફેડ્રિન તથા આયોડિનની ભેગા કરીને લગભગ 9.5 મિલિયન ડોલરની કિંમત ધરાવતા 38 કિલો મેથાલામ્ફેટામાઇન (methylamphetamine) નું ઉત્પાદન કરવાની તપાસ અધિકારીઓએ શક્યતા વ્યક્ત કરી હતી.
ઝડપાયેલા જથ્થાને વધુ તપાસ અર્થે મોકલવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા બંને આરોપીને બેન્ક્સટાઉન પોલીસ સ્ટેશનમાં લઇ જઇ તેમના પર વિવિધ આરોપો લગાવવામાં આવ્યા હતા.
આરોપીઓની જામીન અરજી નકારવામાં આવી હતી અને તેમને 22મી ડીસેમ્બરે કોર્ટમાં હાજર કરવામાં આવશે.
Share


