કોરોનાવાઇરસના કારણે અર્થતંત્ર પર પડેલી અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ઓસ્ટ્રેલિયાના 5 મિલીયન લોકોને વધુ નાણાકિય સહાય આપવા જઇ રહી છે.
જે અંતર્ગત તેમના બેન્ક એકાઉન્ટમાં સોમવારથી નાણા જમા થવાની પ્રક્રિયા શરૂ થશે.
કેન્દ્ર સરકાર કેવી રીતે મદદ કરશે?
કોરોનાવાઇરસના કારણે આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયાના લઘુત્તમ આવક ધરાવતા લોકોને આર્થિક સહાયતા પેકેજ અંતર્ગત 750 ડોલરની ચૂકવણી કરાશે.
અગાઉ આ વર્ષે શરૂઆતમાં સેન્ટરલિન્કમાંથી સહાયતા મેળવતા 6.6 મિલિયન લોકોને 750 ડોલરની ચૂકવણી કરાઇ હતી.
ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગે જણાવ્યું હતું કે, આ નાણા દ્વારા ઓસ્ટ્રેલિયન લોકો તથા વેપાર – ઉદ્યોગોને મદદ મળશે.
કેન્દ્ર સરકારની જાહેરાત પ્રમાણે, પ્રથમ સહાયતા પેકેજ મેળવનારા કેટલાક વર્ગને 750 ડોલરનું બીજું પેકેજ પણ આપવામાં આવશે.

Josh Frydenberg Source: AAP Image/Lukas Coch
સહાયતા માટે લાયકાત
પ્રથમ સહાયતા પેકેજ મેળવનારા લગભગ 5 મિલિયન ઓસ્ટ્રેલિયન્સ બીજું સહાયતા પેકેજ મેળવવા માટે લાયક બનશે.
જેમાં...
- એજ પેન્શન,
- ડિસેબીલિટી સપોર્ટ પેન્શન,
- કેરર પેમેન્ટ,
- શોક ભથ્થુ,
- વેટરન સર્વિસ પેમેન્ટ,
- વેટરન ઇન્કમ સપોર્ટ સપ્લિમેન્ટ
- ફેમિલી ટેક્સ બેનીફિટ A અને B
- કોમનવેલ્થ સિનિયર્સ હેલ્થકાર્ડ
- પેન્શનર કન્સેશન કાર્ડ
મેળવનારી વ્યક્તિ સરકારનું 750 ડોલરનું સહાયતા પેકેજ મેળવવા માટે લાયક બનશે.
જોકે, જે વ્યક્તિ એકથી વધુ યોજના (કોમનવેલ્થ સિનિયર્સ હેલ્થ કાર્ડ અને એજ પેન્શન) નો લાભ લેતી હશે તો તેને બે વખત 750 ડોલરની ચૂકવણી કરાશે નહીં.
યુથ એલાઉન્સ અને જોબસીકરની સહાયતા મેળવનારા લોકોને પ્રથમ વખત 750 ડોલરની ચૂકવણી કરાઇ હતી. જોકે, તેમને પણ બીજા તબક્કામાં આવરી લેવામાં આવ્યા નથી.
સહાયતા પેકેજની ચૂકવણી ક્યારે થશે?
કોરોનાવાઇરસના બીજા તબક્કા માટેના સહાયતા પેકેજ અંતર્ગત 750 ડોલરની ચૂકવણી આ અઠવાડિયાથી શરૂ થઇ. અને, તે મહિનાના અંત સુધી ચાલશે.
આ અંગે કોઇ પણ અરજી કરવાની નથી, જે લોકો આ સહાયતા મેળવવા લાયક હશે તેમના બેન્ક અકાઉન્ટમાં નાણા જમા થઇ જશે.
સરકારને કેટલો ખર્ચ થશે?
કોરોનાવાઇરસનું પ્રથમ સહાયતા પેકેજની કુલ કિંમત 5.6 બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર હતી જ્યારે બીજા તબક્કાના સહાયતા પેકેજની કિંમત 3.8 બિલિયન ડોલર છે.
ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારને કુલ 9.4 બિલિયન ડોલરનો ખર્ચ થશે.