ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો આગામી વર્ષ સુધી બંધ રહે તેવી શક્યતા છે. અને, આરોગ્ય નિષ્ણાતોની સલાહ બાદ જ સુરક્ષિત રીતે તેને ફરીથી ખુલ્લી મૂકવામાં આવશે, તેમ કેન્દ્રીય ટ્રેઝરર જોશ ફ્રાયડનબર્ગે જણાવ્યું હતું.
SBS News ને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2022માં માઇગ્રેશન શરૂ થાય તેવી આશા છે.
મંગળવારે જારી થનારા બજેટમાં આંતરરાષ્ટ્રીય સરહદો ક્યાં સુધી બંધ રહેશે તે અંગે કોઇ ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવે તેવી શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય સરહદો શરૂ કરવા માટે અન્ય ઘણા પરિબળો જવાબદાર હોવાનું ફ્રાયડનબર્ગે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય આરોગ્ય નિષ્ણાતોની સલાહને ધ્યાનમાં રાખીને લેવાશે. અત્યાર સુધીમાં આરોગ્ય સલાહના કારણે ઓસ્ટ્રેલિયાએ વાઇરસ સામે વિજય મેળવ્યો છે, અને ઓસ્ટ્રેલિયન્સને તેનાથી સુરક્ષિત રાખ્યા છે.
દેશ હાલમાં કોરોનાવાઇરસની મહામારી બાદ ફરીથી બેઠો થઇ રહ્યો છે એટલે જ આંતરરાષ્ટ્રીય સરહદો ખોલવા અંગેનો નિર્ણય આરોગ્ય સલાહને ધ્યાનમાં રાખીને લેવામાં આવે તે જરૂરી છે.
બીજી તરફ, વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ જણાવ્યું છે કે સુરક્ષિત લાગશે ત્યારે જ દેશની સરહદો ફરીથી ખોલવામાં આવશે.
રવિવારે ન્યૂઝ કોર્પમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે ઓસ્ટ્રેલિયા લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય સરહદો બંધ રાખી શકે છે.
જોકે, આ રીપોર્ટનો ખુલાસો આપતા વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાવાઇરસના શૂન્ય કેસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો નથી. વિદેશમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સ પરત ફરશે ત્યારે કોરોનાવાઇરસના કેસનું નિદાન થશે. તેથી જ સુરક્ષિત હશે ત્યારે જ ઓસ્ટ્રેલિયાની સરહદો ખુલ્લી મૂકવામાં આવશે.
જોકે આ સમય અનિશ્ચિત હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.