ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયા રાજ્યની સરહદો પાસે આવેલા આલ્બરી અને વોડોંગા ટાઉન ટ્વિન સિટી તરીકે ઓળખાય છે.
આલ્બરી ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની સીમામાં જ્યારે વોડોગા વિક્ટોરીયા રાજ્યમાં આવે છે. જુદા – જુદા રાજ્યની સીમામાં આવતા હોવા છતાં પણ આલ્બરી – વોડોંગા એક અર્થતંત્ર, એક સમુદાય તરીકે જ ઓળખાય છે.
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના કેસમાં વધારો થતા 8મી જુલાઇ 12.01 વાગ્યાથી, ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયા રાજ્ય વચ્ચેની સરહદો બંધ કરવામાં આવી છે.
જોકે, તાજેતરમાં કરવામાં આવેલા ફેરફાર પ્રમાણે, ન્યૂ સાઉથ વેલ્સના સરહદી વિસ્તારોમાં રહેતા રહેવાસીઓ વિક્ટોરીયાના સરહદી વિસ્તારો બહાર મુસાફરી કરશે તો તેમને પરત ફર્યા બાદ 14 દિવસ સેલ્ફ આઇસોલેટ થવું પડશે.
આ ઉપરાંત, 21મી જુલાઇ, મધ્યરાત્રિથી સરહદી વિસ્તારોમાં રહેતા અને પરમીટ ધરાવતા લોકો ઘરેથી શક્ય ન હોય ત્યારે જ નોકરી, શિક્ષણ, આરોગ્ય સુવિધા મેળવવા માટે સરહદો ઓળંગી શકશે.
વિક્ટોરીયાના રહેવાસીઓ ચીજવસ્તુની ખરીદી, મિત્રો કે પરિવારજનોની મુલાકાત જેવા કાર્યો માટે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં પ્રવેશી શકશે નહીં.

Source: AAP Image/Lukas Coch
22મી જુલાઇથી કેવા કાર્યો માટે મંજૂરી મળશે
નોકરી:
જો ન્યૂ સાઉથ વેલ્સની સરકારના જણાવ્યા પ્રમાણે, તમારી નોકરી "જરૂરિયાત ધરાવતી સર્વિસ" હેઠળ આવતી હોય તો તમે પરમીટ મેળવીને નોકરી ચાલૂ રાખી શકો છો.
વિક્ટોરીયાના સિઝનલ કર્મચારીઓને ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રવેશવાની પરવાનગી મળશે નહીં.
આરોગ્ય:
વિક્ટોરીયાના નવા નિયમ પ્રમાણે, જો આરોગ્યને લગતી કોઇ સેવા વિક્ટોરીયામાં કે ઓનલાઇન ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરહદ ઓળંગી શકાય છે.
છેલ્લા 14 દિવસમાં વિક્ટોરીયાના કોરોનાવાઇરસ હોટસ્પોટ વિસ્તારમાં રહેનારી વ્યક્તિને ન્યૂ સાઉથ વેલ્સમાં આરોગ્યની સેવા મેળવવાની પરવાનગી અપાશે નહીં.
ન્યૂ સાઉથ વેલ્સના સરહદી વિસ્તારમાં રહેતા લોકો બાળકો તથા સાર-સંભાળ સાથે સંકળાયેલી સુવિધા અથવા બિમાર વ્યક્તિની દેખરેખ માટે પરમીટ માટે અરજી કરી શકે છે.

NSW Police officers check cars Source: AAP
શિક્ષણ:
બોર્ડિંગ સ્કૂલ અને યુનિવર્સિટીના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ જો છેલ્લા 14 દિવસ વિક્ટોરીયામાં રહ્યા હશે તો તેમને ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રવેશ્યા બાદ સેલ્ફ આઇસોલેટ થવું પડશે અને 10થી 14 દિવસની વચ્ચે કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવો પડશે.
વિક્ટોરીયા તરફ રહેતા લોકો લોકડાઉન હેઠળના મેટ્રોપોલીટન મેલ્બર્ન સિવાયના રીજનલ વિક્ટોરીયામાં હરીફરી શકે છે.