ન્યૂ સાઉથ વેલ્સમાં આગામી દિવસોમાં કોવિડ-19 નિયંત્રણો હળવા થઇ રહ્યા છે, જેના કારણે સિનેમા હોલ તથા તેની સાથે સંકળાયેલા વેપાર – ઉદ્યોગોમાં એક નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોવિડ-19ના નિયંત્રણોના કારણે સિનેમા હોલ તથા થિયેટર્સને બંધ કરવાની ફરજ પડી હતી પરંતુ હાલમાં સિડનીના ઐતિહાસિક Orpheum Picture Palace લોકડાઉન બાદ ફરીથી કાર્ય કરવા માટે સજ્જ થઇ રહ્યું છે.
મેનેજર એલેક્સ ટેમેસ્વરી જણાવે છે કે, અમારા ઉદ્યોગ માટે આ એક રાહતના સમાચાર છે.
સિડનીમાં ડેલ્ટા પ્રકારના કોવિડ-19 ચેપનું નિદાન થયા બાદ ત્રણ મહિના જેટલા સમયથી સિનેમા – થિયેટર બંધ છે.
પરંતુ, હવે નિયંત્રણો હળવા થઇ રહ્યા છે.
11મી ઓક્ટોબરથી મૂવી થિયેટર્સ તેની કુલ ક્ષમતાના 75 ટકા લોકો સાથે શરૂ થઇ શકશે. જોકે, તે માટે માસ્ક અને રસીના બંને ડોઝ લીધા હોવાની શરતોનું પાલન કરવું જરૂરી છે.
કોવિડ-19 મહામારીના કારણે સિનેમા ઉદ્યોગને એક દશકમાં સૌથી મોટો ફટકો પડ્યો છે.
અમેરિકા તથા અન્ય દેશોમાં કોવિડ-19 મહામારીના કારણે જેમ્સ બોન્ડની થ્રિલર ફિલ્મ નો ટાઇમ ટુ ડાઇને પણ અમુક મહિના સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયામાં પણ તેની અસર જોવા મળી હતી. અન્ય એક ચિંતાનું કારણ હતું, સ્ટ્રીમીંગ સર્વિસ.
વોર્નર બ્રધર્સ તથા ડીઝની જેવા સ્ટુડિયો દ્વારા થિયેટરમાં ફિલ્મો પ્રસ્તુત કરવામાં આવી પરંતુ તેની સાથે ઓનલાઇન માધ્યમ પર પણ તે પ્રસ્તુત થતા, સિનેમા – થિયેટર્સની મુશ્કેલીમાં વધારો થયો.
લિયામ બર્ક, Swinburne University ખાતે સ્ક્રીન સ્ટડીસ લેક્ચરર છે.
તેઓ જણાવે છે કે મહામારીના સમયમાં નેટફ્લિક્સ, ડીઝની તથા પ્રાઇમ જેવા પ્લેટફોર્મ્સની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે.
તો શું, જે રાજ્યોમાં એક જ દિવસમાં કોવિડ-19ના સેંકડો કેસ આવે છે, તે રાજ્યના રહેવાસીઓ સિનેમા હોલમાં જઇને કોઇ અજાણી વ્યક્તિની બાજુંમા બેસીને ફિલ્મ નિહાળવાનું પસંદ કરશે.
બ્રિટનમાં ગયા મહિને જ્યારે નો ટાઇમ ટુ ડાઇ રિલીઝ થઇ ત્યારે તેણે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યાં.
અન્ય ફિલ્મ, Shang Chi and the legend of the Ten Rings ફક્ત સિનેમામાં પ્રસ્તુત થઇ હતી અને તેણે પણ સારી કમાણી કરી.
પરંતુ, સિનેમા ઓપરેટર્સને આશા છે, કે લોકો ફરીથી સિનેમા હોલમાં આવીને ફિલ્મ નિહાળશે.