ગુજરાતના ભૂજમાં આવેલી એક કોલેજ બહાર કેટલીક વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહી હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે, તેઓ માસિક ધર્મમાં છે કે કેમ તે નક્કી કરવા માટે કોલેજના સત્તાધારીઓ દ્વારા તેમના કપડા કઢાવીને તપાસ કરવામાં આવી હતી.
સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટ્યૂટ કોલેજના બગીચામાં સેનેટરી નેપકીન મળી આવ્યો હતો. વિદ્યાર્થીનીઓ માસિક ધર્મમાં હોય તો તેમની પર હોસ્ટેલમાં પ્રવેશ પર પ્રતિબંધ હોય છે તેથી જ તેમની તપાસ કરી હોવાનું મનાય છે.
વિરોધ પ્રદર્શન કરી રહેલી વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, આ અપમાનજનક ઘટનાનો ભોગ બન્યા બાદ અમારી પાસે શબ્દો નથી.
કોલેજ સત્તાધારીઓએ 68 વિદ્યાર્થીનીઓને એક લાઇનમાં ઉભી કરી હતી અને ત્યાર બાદ તેમના કપડા કઢાવ્યા હતા. તેમ વિદ્યાર્થીનીઓએ પત્રકારોને જણાવ્યું હતું.
કોલેજ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત છે.
નિયમ પ્રમાણે, માસિકધર્મમાં હોય તે વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં પ્રવેશ કરી શકતી નથી. તેમને અલગ રૂમમાં રહેવું પડે છે અને રસોડા કે મંદિરમાં પ્રવેશ કરી શકતી નથી.
કોલેજના જણાવ્યા પ્રમાણે, આ ઘટના બાદ તેમણે તપાસ હાથ ધરી છે. કોલેજના ટ્રસ્ટી પ્રવિણ પિત્રોડાના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીનીઓએ એડમિશન લીધું તે પહેલા જ તેમને તમામ નિયમોની જાણ કરવામાં આવે છે.
મેં વહીવટકર્તાઓની એક મિટીંગ બોલાવી છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે.
Share



