આર્જેન્ટિના ફીફા વર્લ્ડ કપમાં ટોચની હરોળની ટીમ ગણાય છે. જોકે તેની સામે ગ્રૂપ સ્ટેજમાં આઇસલેન્ડ તથા નાઇજિરીયા જેવી ટીમો સામે અપસેટનો શિકાર થતા બચવાનો પડકાર રહ્યો છે ત્યારે SBS Gujarati નું ગ્રૂપ ડીમાં રહેલી ટીમોનું એનાલિસીસ
ગ્રૂપ : ડી
દેશ : આર્જેન્ટિના, નાઇજિરીયા, ક્રોએશિયા, આઇસલેન્ડ
ગ્રૂપ ડીની મેચનો કાર્યક્રમ
16મી જૂન આર્જેન્ટિના વિ.આઇસલેન્ડ
17મી જૂન ક્રોએશિયા વિ. નાઇજિરીયા
22મી જૂન આર્જેન્ટિના વિ. ક્રોએશિયા
23મી જૂન નાઇજિરીયા વિ. આઇસલેન્ડ
27મી જૂન નાઇજિરીયા વિ. આર્જેન્ટિના
27મી જૂન આઇસલેન્ડ વિ. ક્રોએશિયા
અત્યાર સુધી રમેલી પાંચ વર્લ્ડ કપ ફાઇનલમાંથી આર્જેન્ટિના બે વખત વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું છે. તેની સામે વર્લ્ડ કપ 2018માં પણ ઘણા પડકાર રહેલા છે. નવા કોચ જોર્ગે સામ્પોલીના પ્રશિક્ષણ હેઠળની ટીમનો છેલ્લી ચારમાંથી એક જ મેચમાં વિજય થયો છે.
SBS ના ફૂટબોલ એનાલિસ્ટ લ્યુસી ઝેલિકના જણાવ્યા પ્રમાણે, "આર્જેન્ટિનાની સફળતાનો આધારે તેમના જાદુઇ કેપ્ટન લાયોનલ મેસ્સીના ફોર્મ પર રહેલો છે. ડી મારીયા તથા હિગુઆન સહિતના ખેલાડીઓએ યોગ્ય સમયે પ્રદર્શન કરવાની જરૂર છે."

Argentina's Lionel Messi kicks the ball during a friendly soccer match between Argentina and Haiti. Source: AP Photo/Victor R. Caivano
"2014ના વર્લ્ડ કપમાં આર્જેન્ટિના પાસે ફાઇનલ જીતવાની તક રહેલી હતી પરંતુ સ્ટાર ખેલાડીઓ નિષ્ફળ રહેતા ટીમ વિજયથી વંચિત રહી ગઇ હતી. આ વખતે ટીમ પાસે મેસ્સીને વર્લ્ડ કપની ટ્રોફી ભેટમાં આપવાની સુવર્ણ તક રહેલી છે."
મેસ્સીએ આર્જેન્ટિનાના વર્લ્ડ કપમાં સ્થાન અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ઇક્વાડોર સામે તેણે કરેલા ત્રણ ગોલ દ્વારા જ આર્જેન્ટિના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું છે.
"સુપર ઇગલ્સ" નાઇજિરીયા સતત બે વર્લ્ડ કપ રમનારી એકમાત્ર આફ્રિકન ટીમ
નાઇજિરીયા 2014 બાદ 2018ના વર્લ્ડ કપમાં રમવા માટે પણ ક્વોલિફાય થયું છે. "સુપર ઇગલ્સ" ના નામથી જાણિતું નાઇજિરીયા છ વખત વર્લ્ડ કપ રમ્યુ છે.
વર્લ્ડ કપ અગાઉ આર્જેન્ટિના અને પોલેન્ડ સામે રમેલી મેચ દ્વારા તેના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. નાઇજિરીયા પાસે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની ગોલ્ડન તક રહેલી છે.ટીમના કેપ્ટન જ્હોન મીકેલના જણાવ્યા પ્રમાણે,

Players of Nigeria in action during a match against England. Source: AAP Images/ David Pinegar/Sportimage via PA Images
"અમે છેલ્લા એક વર્ષમાં ઘણી સફળતા મેળવી છે અને વર્લ્ડ કપમાં પણ અમારે લય જાળવીરાખવી પડશે."
જોકે નાઇજિરીયાએ આર્જેન્ટિના બાદ ક્રોએશિયા તથા આઇસલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરવું પડશે.
ક્રોએશિયા 20 વર્ષમાં સૌથી મજબૂત ટીમ

Action image of Croatian football team. Source: AAP Images/ EPA/PETER POWELL
કેપ્ટન લુકા મોડ્રીકની આગેવાની હેઠળની ક્રોએશિયન ટીમ 20 વર્ષની સૌથી મજબૂત ટીમ ગણાય છે. 1998ના વર્લ્ડ કપમાં સેમિફાઇનલ સુધી પહોંચનારી ક્રોએશિયન ટીમ રશિયા ખાતેના વર્લ્ડ કપમાં પણ મજબૂત ટીમો સામે અપસેટ કરે તો નવાઇ નહીં.

Iceland team after scoring a goal against England in EURO 2016. Source: AAP Images/ EPA
વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઇને આઇસલેન્ડે તમામને ચોંકાવ્યા
આઇસલેન્ડની વસ્તી ફક્ત 3 લાખ છે અને તેણે યુરો 2016માં ઇંગ્લેન્ડને બહાર કરીને તમામને ચોંકાવ્યા હતા.
એનાલિસ્ટ લ્યુસી ઝેલિકના જણાવ્યા પ્રમાણે, "આઇસલેન્ડની સફળતા કોઇ આકસ્મિક નથી. બરફથી ઘેરાયેલા દેશમાં પણ ફૂટબોલ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરીને ભારે સફળતા મેળવી છે. તેઓ આ વર્લ્ડ કપમાં પણ નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચે તેવી આશા છે. "