ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સને ઓસ્ટ્રેલિયા પરત લાવવા માટેની ફ્લાઇટ્સ 15મી મેથી શરૂ કરવામાં આવશે.
સરકારે તેમના ઓસ્ટ્રેલિયા પ્રવેશ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે યોજાયેલી નેશનલ સિક્યોરિટી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
જે અંતર્ગત પ્રથમ ફ્લાઇટમાં 200 જેટલા પેસેન્જર્સને ઓસ્ટ્રેલિયા લાવવામાં આવશે.
આ ફ્લાઇટ ડાર્વિન ખાતે ઉતરાણ કરશે અને તમામ પરત ફરેલા મુસાફરોને હાવર્ડ સ્પ્રિન્ગ્સ ખાતેની ક્વોરન્ટાઇન સુવિધામાં રાખવામાં આવશે.
મુસાફરોએ ફ્લાઇટમાં બેસતા અગાઉ રેપિડ કોવિડ-19 ટેસ્ટ કરાવવો પણ ફરજિયાત રહેશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ઓસ્ટ્રેલિયાના 9000 જેટલા ભારતમાં ફસાયેલા છે જેમાંથી 900 જેટલા મુસાફરો અતિ-જરૂરિયાતની શ્રેણીમાં આવે છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને શુક્રવારે જણાવ્યું હતું કે મે મહિનામાં ભારતથી આવનારી 3 ફ્લાઇટ્સ નોધર્ન ટેરીટરીમાં ઉતરવાની હતી.
જે મુસાફરો અતિ-જરૂરિયાતની શ્રેણીમાં આવે છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.
જોકે, 15મી મે સુધી બાયોસિક્યોરિટીનો નિયમ અમલમાં રહેશે તેમ વડાપ્રધાન મોરિસને જણાવ્યું હતું.



