ભારતમાં કોરોનાવાઇરસના કેસ રેકોર્ડ સંખ્યામાં વધતા ઓસ્ટ્રેલિયન સરકારે ભારતથી ઓસ્ટ્રેલિયાની સીધી ફ્લાઇટ્ પર 15મી મે સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો.
ત્યાર બાદ શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું હતું કે, છેલ્લા 14 દિવસમાં ભારતની મુલાકાતે ગયેલી કોઇ પણ વ્યક્તિ ઓસ્ટ્રેલિયા પરત ફરવાનો પ્રયત્ન કરશે તો તેને 66,600 ડોલરનો દંડ અથવા પાંચ વર્ષની જેલની સજા થઇ શકે તેમ છે.
હાઇલાઇટ્સ
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીધી ફ્લાઇટ પર 15મી મે સુધી પ્રતિબંધ
- છેલ્લા 14 દિવસથી ભારતમાં હોય તેવી વ્યક્તિ ઓસ્ટ્રેલિયા પ્રવેશનો પ્રયત્ન કરતા ઝડપાશે તો 5 વર્ષની જેલ અથવા 66,600 ડોલરનો દંડ થશે.
- બાયોસિક્યોરિટીના નિયમને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો હોવાનું ઓસ્ટ્રેલિયન સરકારે જણાવ્યું.
આ નિયમ સોમવાર મધ્યરાત્રિ 12.01 વાગ્યાથી અમલમાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી ગ્રેગ હંટે તેને ઓસ્ટ્રેલિયાના બાયોસિક્યોરિટી કાયદાનું ઉલ્લંઘન ગણાવીને આ સજા અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી.
જોકે, અત્યાર સુધીમાં કોરોનાવાઇરસના કારણે વિશ્વના અન્ય કોઇ દેશમાંથી ઓસ્ટ્રેલિયા આવતા પ્રવાસીઓ પર આ પ્રકારનો પ્રતિબંધ કે સજા નક્કી કરવામાં આવી નથી. ઓસ્ટ્રેલિયન સરકારે ફક્ત ભારતથી આવતા પર્મેનન્ટ રેસીડન્ટ્સ કે દેશના નાગરિકો માટે જ આ નિર્ણય લીધો છે.
તેથી જ સરકારના આ નિર્ણયથી તેમની ટીકા થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં 9000 જેટલા ઓસ્ટ્રેલિયન સિટીઝન્સ તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સ ભારતમાં ફસાયા છે.
ભારતથી ઓસ્ટ્રેલિયા માટે 4 વખત ટિકીટ બુક કરાવી
ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્ટ અને હાલમાં ભારતમાં ફસાયેલા નિધી મહેતાએ SBS Gujarati ને જણાવ્યું હતું કે તેમણે ઓસ્ટ્રેલિયા પરત ફરવા માટે ઘણા પ્રયત્ન કર્યા છે. પરંતુ એક પણ વખત સફળતા મળી નથી.
મેલ્બર્નના રહેવાસી નિધીએ અત્યાર સુધીમાં ચાર વખત ફ્લાઇટ્સ બુક કરાવી છે પરંતુ તમામ વખતે ફ્લાઇટ રદ થઇ છે.
તેમણે ઉમેર્યું હતું કે, તેઓ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફરીથી ફ્લાઇટની ટિકીટ મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ હવે ઓસ્ટ્રેલિયન સરકારે ભારત સાથેની સીધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકતા તેમની નિરાશામાં વધારો થયો છે.
હાલમાં ભારતમાં કોરોનાવાઇરસના કારણે પરિસ્થિતી ખરાબ હોવાથી હું તાત્કાલિકપણે ઓસ્ટ્રેલિયા પરત ફરવા માંગું છું પરંતુ, હવે સરકારે ભારતથી ઓસ્ટ્રેલિયા આવનારા લોકો પર કડક સજાની જોગવાઇ કરતાં તે વિકલ્પ પણ શક્ય નથી, તેમ નિધીએ જણાવ્યું હતું.
બીજી તરફ ભારતમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સ માટે લાગૂ કરવામાં આવેલા નિયમ બદલ સરકારની આકરી ટીકા થઇ રહી છે. અને, ઓસ્ટ્રેલિયન સરકારના આ નિર્ણયને જાતિવાદ સાથે ગણાવ્યો છે.
જોકે, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરિસ પાયને આ પ્રકારના આક્ષેપોની ટીકા કરી છે. તેમણે કેનબેરા ખાતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાં પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે. તેથી જ આ નિર્ણય લેવાયો છે.
વિશ્વના અન્ય દેશોથી ઓસ્ટ્રેલિયા પરત ફરતા મુસાફરોની સરખામણીમાં ભારતથી ઓસ્ટ્રેલિયા આવતા મુસાફરોને હોટલ ક્વોરન્ટાઇન દરમિયાન વાઇરસના સંક્રમણનું પ્રમાણ વધુ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

Minister for Foreign Affairs Marise Payne addresses the media at a press conference at Parliament House in Canberra Source: AAP
ચીફ મેડિકલ ઓફિસરની સલાહ બાદ બાયોસિક્યોરિટીના કાયદાને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા પરત ફરતા લોકો પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકાયો છે, તેમ મેરિસ પાયને ઉમેર્યું હતું.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ ઓફ ન્યૂ સાઉથ વેલ્સના પ્રમુખ ડો યદુ સિંઘે જણાવ્યું હતું કે હાલમાં ઓસ્ટ્રેલિયાના 8000 જેટલા નાગરિકો ભારતમાં ફસાઇ ગયા છે. તેઓ મંજૂરી મેળવીને જ ઓસ્ટ્રેલિયાથી ભારત ગયા હતા. હવે તેમને પરત લાવવાની જવાબદારી ઓસ્ટ્રેલિયન સરકારની છે.
ફસાયેલા કુલ ઓસ્ટ્રેલિયન્સમાંથી 690 જેટલા ઓસ્ટ્રેલિયન્સ જરૂરિયાત ધરાવતી શ્રેણીમાં આવે છે. આ તમામ લોકોને તાત્કાલિક પરત લાવવા જરૂરી છે.
ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા દંડના નિયમ અંગે તેમણે ઉમેર્યું હતું કે હાલમાં ભારતથી ઓસ્ટ્રેલિયા વચ્ચે કોઇ ફ્લાઇટ ન હોવાથી ઓસ્ટ્રેલિયા આવવું શક્ય જ નથી.
ભારતથી પરત ફરતા મુસાફરો પર પ્રતિબંધ મૂકવાના ઓસ્ટ્રેલિયન સરકારના નિર્ણયને આવકારતા સિડની સ્થિત ધવલ પટેલે SBS Gujarati ને જણાવ્યું હતું કે, કેન્દ્રીય સરકારે ખૂબ જ પ્રશંસનીય નિર્ણય લીધો છે.
તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં ભારતના કારણે ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કેસ ન વધે તે માટે આ કામચલાઉ નિર્ણય લેવાયો છે.
ભારતમાં હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમી રહેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સના પરત ફરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે ઓસ્ટ્રેલિયન સરકારની બધા જ લોકો માટેની સમાનતા દર્શાવે છે.
ઓસ્ટ્રેલિયન સરકારે ખૂબ જ સંવેદનશીલ નિર્ણય લીધો હોવાનું ધવલ પટેલે ઉમેર્યું હતું.



