ઓસ્ટ્રેલિયન એરલાઇન કંપની ક્વોન્ટાસ દેશના પ્રવાસન ઉદ્યોગને ફરીથી બેઠું કરવાના પ્રયાસ અંતર્ગત પેસેન્જર્સને પ્રવાસની તારીખ બદલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, ક્વોન્ટાસ એરલાઇન્સમાં ડોમેસ્ટિક બુકિંગ કરાવનારા પ્રવાસીઓને જાન્યુઆરી 2022 સુધી અમર્યાદિત સંખ્યામાં તેમની પ્રવાસની તારીખમાં ફેરફાર કરવાની સુવિધા મળશે.
આ ઉપરાંત 8મી ફેબ્રુઆરીથી આગામી એક અઠવાડિયા સુધી દેશના ટોચના શહેરો અને રીજનલ વિસ્તારોમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું બુકિંગ કરાવનારા મુસાફરોને સસ્તા દરની ટિકીટ ઉપલબ્ધ કરાવાશે. 7news માં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, ક્વોન્ટાસ ગ્રૂપ ચીફ કસ્ટમર ઓફિસર સ્ટેફની તુલીએ જણાવ્યું હતું કે સસ્તાદરની ટિકીટ અને અમર્યાદિત સંખ્યામાં તારીખોમાં ફેરફાર કરવાની છૂટથી ઓસ્ટ્રેલિયન્સ તેમનું બુકિંગ કરાવવા માટે પ્રેરિત થશે.
7news માં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, ક્વોન્ટાસ ગ્રૂપ ચીફ કસ્ટમર ઓફિસર સ્ટેફની તુલીએ જણાવ્યું હતું કે સસ્તાદરની ટિકીટ અને અમર્યાદિત સંખ્યામાં તારીખોમાં ફેરફાર કરવાની છૂટથી ઓસ્ટ્રેલિયન્સ તેમનું બુકિંગ કરાવવા માટે પ્રેરિત થશે.

Virgin Australia aircraft are seen at Sydney Domestic Airport, in Sydney on 5 August , 2020. Source: AAP
ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાવાઇરસના કારણે લાદવામાં આવતા સરહદીય પ્રતિબંધોના કારણે લોકો ફ્લાઇટનું બુકિંગ કરાવતા અચકાય છે તેથી જ એરલાઇન કંપની ગ્રાહકોને આ સુવિધા આપી રહી છે.
પ્રવાસ તથા પ્રતિબંધોની અનિશ્ચિતતા વચ્ચે ગ્રાહકોને ઉપલબ્ધ થતી સુવિધાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે.
ગ્રાહકોને અમર્યાદિત સંખ્યામાં ફ્લાઇટની તારીખો બદલવાની સુવિધા આપવાથી દેશનો પ્રવાસન ઉદ્યોગ ફરીથી બેઠો થશે તથા સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે તેમ તુલીએ ઉમેર્યું હતું.
બીજી તરફ અન્ય એરલાઇન કંપની વર્જીન ઓસ્ટ્રેલિયા પણ તેમના ગ્રાહકોને તારીખો તથા ઊતરાણના સ્થળને બદલવાની સુવિધા આપી રહી છે.
કંપનીની વેબસાઇટના જણાવ્યા અનુસાર, 21મી એપ્રિલ 2020 બાદથી 31મી માર્ચ 2021 વચ્ચે સ્થાનિક તથા કેટલીક ટ્રાન્સ - ટસ્મન ફ્લાઇટ્સનું બુકિંગ કરાવનારા મુસાફરો તારીખ, ઊતરાણનું સ્થળ બદલી શકશે. જોકે, આ સુવિધા 30મી જૂન 2021 સુધી જ અમલમાં રહેશે.
1લી જુલાઇ 2021થી કોઇ પણ ફેરફાર કરવા માટે ફી આપવાની રહેશે.






