વર્લ્ડ ચેમ્પિયન જર્મની 2018ના વર્લ્ડ કપમાં ફરીથી એક વખત ટાઇટલ બચાવવા ઊતરશે. મેક્સિકો, સ્વિડન અને સાઉથ કોરિયા નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવાના મિશન સાથે રશિયા ખાતેના વર્લ્ડ કપમાં ભાગ લેશે ત્યારે SBS Gujarati નું ગ્રૂપ એફમાં રહેલી ટીમોનું એનાલિસીસ.
ગ્રૂપ: એફ
દેશ: જર્મની, સ્વિડન, મેક્સિકો, સાઉથ કોરિયા
ગ્રૂપ એફની મેચનો કાર્યક્રમ
18મી જૂન જર્મની વિ મેક્સિકો
18મી જૂન સ્વિડન વિ સાઉથ કોરિયા
24મી જૂન સાઉથ કોરિયા વિ. મેક્સિકો
24મી જૂન જર્મની વિ. સ્વિડન
28મી જૂન મેક્સિકો વિ. સ્વિડન
28મી જૂન સાઉથ કોરિયા વિ. જર્મની
રશિયા ખાતેના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનીને જર્મની પાસે સતત બે વર્લ્ડ કપ જીતવાની તક રહેલી છે. જર્મની છેલ્લા કેટલાક સમયથી ચેમ્પિયન ટીમ જેવું જ પ્રદર્શન કરી રહ્યું છે.
અંતિમ 10 મેચમાં તેણે તમામ મેચ જીતી છે અને તેની સામે માત્ર ચાર ગોલ જ થયા છે. આ ઉપરાંત તેણે કન્ફેડરેશન કપ પણ જીત્યો છે.
કોચ જોઆકિમ લોઉને ખબર છે કે અન્ય ટીમો પણ જર્મનીને પરાજય આપી શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે,

Jerome Boateng of Germany during the international friendly match between Germany and Saudi Arabia ahead of the FIFA World Cup. Source: Getty Images
"2014નો વર્લ્ડ કપ, કન્ફેડરેશન કપ જીત્યા બાદ અમારો લક્ષ્યાંક 2018નો વર્લ્ડ કપ જીતવાનો છે. તમામની નજર જર્મની પર રહેલી છે અને અમારે કટ્ટર હરિફાઇનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
સ્ટાર ખેલાડીઓ યુક્ત જર્મની ટીમ વિશે SBS ના ફૂટબોલ એનાલિસ્ટ લ્યૂસી ઝેલિક જણાવે છે કે,
"જર્મની ખૂબ જ અનુભવી ટીમ છે. તેમને ખબર છે કે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં કેવી રીતે રમવું અને જીતવું. તેમની પાસે ક્રૂસ, થોમસ મ્યુલર, મેટ્સ હમેલ્સ, જેરોમ બોટેન્ગ જેવા અનુભવી ખેલાડીઓ છે."
મેક્સિકોને નોકઆઉટમાં જીતવાની આશા
જર્મની સાથે ગ્રૂપ - એફમાં અન્ય ટીમ છે મેક્સિકો. તે નોકઆઉટમાં તો પ્રવેશે છે પરંતુ ત્યાંથી આગળ વધી શકતું નથી.
છેલ્લી છ ટૂર્નામેન્ટમાં તે રાઉન્ડ ઓફ 16માંથી જ બહાર ફેંકાઇ ગયું છે.
ચિલી સામે કોપા અમેરિકા કપમાં 7-0 તથા કન્ફેડરેશન કપમાં જર્મની સામે 4-1નો પરાજય મેળવ્યા બાદ મેક્સિકોએ પોલેન્ડ, બોસ્નિયા તથા આઇસલેન્ડ સામે ફ્રેન્ડલી મેચ જીતીને પોતાની લય પ્રાપ્ત કરી લીધી છે.
ડીફેન્ડર ઓસ્વાલ્ડો અલ્નીસના જણાવ્યા પ્રમાણે ટીમ પાસેથી લોકોને ઘણી આશા છે.

Mexican President Enrique Pena Nieto (C-L) and his wife Angelica Rivera (C-R) receive a T-shirt of the Mexican national soccer team. Source: AAP - EPA - Jose Mendez
"અમે અમારી માનસિકતા બદલી દીધી છે. ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા અંગે વિચાર્યા કરતા અમે એક સમયે એક મેચ અંગે રણનીતિ ઘડીશું. અમારે ઘણી લાંબી સફર કરવી છે તેથી ક્વાર્ટર ફાઇનલ અંગે વિચારતા નથી."
સ્વિડન રાઉન્ડ ઓફ 16માં પ્રવેશવાનું દાવેદાર
ગ્રૂપ-એફમાં અન્ય ટીમ છે સ્વિડન. ફ્રાન્સ તથા નેધરલેન્ડ્સ સામે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ડ્રો રમ્યા બાદ સ્વિડન વર્લ્ડ કપમાં ક્વોલિફાય થશે તેવી આશા નહોતી.
સ્વિડનને સ્ટાર ખેલાડી ઝ્લાટન ઇબ્રાહિમોવિચ વગર વર્લ્ડ કપ રમવા ઊતરવું પડશે. તેણે યુરો 2016 બાદ નિવૃત્તિ લઇ લીધી છે. કોચ જેન એન્ડરસનને સ્વિડન પાસેથી ઘણી આશા છે. તેમના જણાવ્યા પ્રમાણે,
"અમારી ટીમના મોટાભાગના ખેલાડીઓ ક્વોલિફિકેશન રાઉન્ડમાં રમી ચૂક્યા છે. મોટાભાગે તેવી જ ટીમ વર્લ્ડ કપમાં રમવા ઊતરશે. મિડફિલ્ડમાં અમારે ક્યા ખેલાડીને લેવો તે અંગે થોડી મુશ્કેલી સર્જાશે પરંતુ અમે મેચ પ્રમાણે અમારી રણનિતી ઘડીશું."
સાઉથ કોરિયાને 2002 વર્લ્ડ કપ જેવું પ્રદર્શન કરવાની અપેક્ષા
સાઉથ કોરિયાએ છેલ્લા 32 વર્ષથી તમામ વર્લ્ડ કપમાં ભાગ લીધો છે. જોકે છેલ્લા કેટલાક સમયમાં તેના ફોર્મમાં ઊતારચડાવ જોવા મળ્યો છે. એશિયન ગ્રૂપ સ્ટેજમાં ઉઝબેકિસ્તાન સામે ડ્રો રમ્યા બાદ અંતિમ ક્ષણોમાં તેનો વર્લ્ડ કપમાં સમાવેશ થયો છે. તેની પાસેથી 2002ના વર્લ્ડ કપ જેવી આશા રખાય છે.
વર્લ્ડ કપમાં તેમનો મુખ્ય આધાર મિડફિલ્ડર સોન હેયુંગ મીન પર રહેશે. તેણે ફિટનેસ પણ હાંસલ કરી લીધી છે. તેણે આ અંગે જણાવ્યું હતું કે,

South Korea's national soccer team players before a friendly soccer match against Bosnia and Herzegovina. Source: AAP - AP - Lee Jin-man
"મારા માટે શારીરિક ફિટનેસ જરૂરી છે. મને લાગશે કે મારે હજી પણ વધારે સારી સારવારન જરૂર છે તો હું ચોક્કસ સારવાર કરાવીશ. વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા હું 100 ટકા ફિટ થઇ જઇશ."
શીન તાયે - યંગ સામે સૌથી મોટો પડકાર ગોલ કરી શકે તેવો ખેલાડી શોધવાનો રહેશે. ટીમે ગોલ કરવાની તમામ તકનો લાભ ઉઠાવવો પડશે તો જ તે નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી શકશે.