એડિલેડના એજ કેરમાં કાર્ય કરતી જસમીન કૌરનું મૃત શરીર પોલીસને સાઉથ ઓસ્ટ્રેલિયાના ફ્લિન્ડર્સ રેન્જ વિસ્તારમાં એક કબરમાંથી મળી આવ્યું છે. આ ઘટના બાદ એક 20 વર્ષીય યુવકની ધરપકડ કરાઇ છે.
હાઇલાઇટ્સ
- જસમીન કૌર એડિલેડના એક એજ કેરમાં કાર્ય કરતી હતી, તે શનિવાર 6 માર્ચથી ગાયબ હતી.
- જસમીનના મૃત શરીરને એડિલેડથી લગભગ 430 કિલોમીટર દૂર ફ્લિન્ડર્સ રેન્જમાંથી મળી આવ્યું.
- પોલિસે જસમીનના એક 20 વર્ષીય પરિચીતની આ મામલે ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, જસમીન એક એજ કેરમાં કાર્ય કરતી હતી. અને તે શનિવાર 6 માર્ચથી ગાયબ હતી.
ત્યાર બાદ હિન્ડલી પોલિસ સ્ટેશનમાં તેના ગુમ થવા અંગે રીપોર્ટ પણ કરવામાં આવ્યો હતો.
5મી માર્ચે રાત્રે 10 વાગ્યે તે સધર્ન ક્રોસ હોમ્સમાં જોવા મળી હતી. ત્યાર બાદથી તે ગાયબ હતી.
સાઉથ ઓસ્ટ્રેલિયા પોલિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રવિવારે 7મી માર્ચના રોજ સધર્ન ડિસ્ટ્રીક્ટ સીઆઇબી અને મેજર ક્રાઇમ ડીટેક્ટીવ્સે જસમીનના પરિચીત એક 20 વર્ષીય યુવકની પૂછપરછ કરી હતી.
તે પોલિસને 40 કિલોમીટર દૂર આવેલા મોરાલાના ક્રીક વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં ફરજ પરના અધિકારીઓને એક કબર જોવા મળી હતી.
ત્યાર બાદ પોલીસે ફોરેન્સીક રીસ્પોન્સ સેક્શન અને પેથોલોજીસ્ટની મદદથી જસમીનનું મૃત શરીર મેળવ્યું હતું.
કોરોનરને મૃત્યુ અંગે જાણકારી નહીં આપવાના કારણે તે 20 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
અને, હવે તેની પર હત્યા કરવાનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
મંગળવારે તેને પોર્ટ અગસ્ટા મેજીસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેણે પોતાના જામીન માટે અરજી કરી નહોતી.
પોલીસે ઘટનાની વધુ તપાસ માટે 9 મહિનાનો સમય માંગ્યો છે. તેથી જ તેને ડીસેમ્બર મહિના સુધી પોલિસ કસ્ટડીમાં રાખવામાં આવશે.
બીજી તરફ, જસમીનના નોકરીદાતા સધર્ન ક્રોસ કેરે એક નિવેદનમાં જારી કર્યું છે.
જેમાં તેમણે તેને એક સુંદર વ્યક્તિત્વ ધરાવતી યુવતી હોવાનું જણાવ્યું છે.
સંસ્થાના સીઇઓ ડેવિડ મોરાને જણાવ્યું હતું કે તે બકલેન્ડ્સ રેસીડેન્સિયલ કેર ખાતે કાર્ય કરતી હતી અને પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી નિભાવતી હતી. સંસ્થાને હંમેશાં તેની ખોટ પડશે.
પોલીસે જસમીન કૌરના મૃત્યુની ઘટના સાથે જોડાયેલી કોઇ પણ માહિતી માટે 1800 333 000 પર સંપર્ક કરવા જણાવ્યું છે.







