છેલ્લા કેટલાક વર્લ્ડ કપથી રાઉન્ડ ઓફ 16માંથી જ બહાર થઇ જનારા ઇંગ્લેન્ડ તથા બેલ્જિયમ 2018ના વર્લ્ડ કપમાં લાંબી સફર કરવા મહેનત કરી રહી છે, ટ્યૂનિશીયા તથા પનામા પણ અપસેટ કરી શકે છે ત્યારે SBS Gujarati નું ગ્રૂપ જીની તમામ ટીમોનું એનાલિસીસ.
ગ્રૂપ: જી
દેશ: ઇંગ્લેન્ડ, બેલ્જિયમ, ટ્યુનિશીયા, પનામા
ગ્રૂપ જીની મેચનો કાર્યક્રમ
19મી જૂન બેલ્જિયમ વિ. પનામા
19મી જૂન ટ્યૂનિશીયા વિ. ઇંગ્લેન્ડ
23મી જૂન બેલ્જિયમ વિ. ટ્યૂનિશીયા
24મી જૂન ઇંગ્લેન્ડ વિ. પનામા
29મી જૂન ઇંગ્લેન્ડ વિ. બેલ્જિયમ
29મી જૂન પનામા વિ. ટ્યૂનિશીયા
કોઇ પણ દેશ એક વખત વર્લ્ડ કપમાં ક્વોલિફાય થાય ત્યારે તેની સામે બીજા લક્ષ્યાંક સરળ ડ્રો મળે તેનો હોય છે અને ઇંગ્લેન્ડ તથા બેલ્જિયમને પ્રમાણમાં સરળ ડ્રો મળ્યો છે. બેલ્જિયમ આ વખતે વર્લ્ડ કપમાં પોતાની સફર ગ્રૂપ સ્ટેજથી આગળ લઇ જવાના નિર્ધાર સાથે મેદાનમાં ઊતરશે.
બેલ્જિયમ 2014ના વર્લ્ડ કપમાં તથા 2016ના યુરો કપમાં ક્વાર્ટર ફાઇનલ્સમાં પ્રવેશ્યું હતું, જે સાબિત કરે છે કે તેની પાસે વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા છે. તેઓ સતત 18 મેચથી અપરાજિત છે, તેમના મોટાભાગના ખેલાડીઓ દુનિયાની ટોચની ક્લબ્સમાંથી રમે છે.
બેલ્જિયમ પાસે ચેલ્સીનો સ્ટાર એડન હેઝાર્ડ, માન્ચેસ્ટર યુનાઇટેડનો રોમેલુ લુકાકુ અને ઇટાલીની સિરી-એ ક્લબનો ડ્રાઇસ મેર્ટેન્સ ઉપસ્થિત છે.

Eden Hazard of Belgium (2-L) during the International Friendly soccer match between Belgium and Portugal. Source: AAP
કોચ માર્ટિનેઝને વિશ્વાસ છે કે ટીમ આ વર્લ્ડ કપમાં લાંબી સફર કરશે. તેમના જણાવ્યા પ્રમાણે,
"છેલ્લા બે વર્ષમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. અમે આક્રમક રણનીતિ અપનાવી છે. ટીમનો કેપ્ટન વિન્ની કેમ્પાની અમારા માટે મહત્વનો ખેલાડી છે. તેણે પોર્ટુગલ સામેની મેચમાં ઉમદા પ્રદર્શન કર્યું હતું. મને આશા છે કે તે વર્લ્ડ કપમાં બેલ્જિયમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે."
બેલ્જિયમની છેલ્લી ગ્રૂપ મેચ 29મી જૂને ઇંગ્લેન્ડ સામે છે. તે મેચ દ્વારા જ ગ્રૂપ વિજેતા નક્કી થશે તેમ લાગી રહ્યું છે.
1966 બાદ ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ એક કપરા સમય બરાબર
સ્ટીવન ગેરાર્ડ, ફ્રેન્ક લેમ્પાર્ડ, પોલ સ્કોલ્સ, જ્હોન ટેરી જેવા ખેલાડીઓ પણ ઇંગ્લેન્ડને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવી શક્યા નથી. ઇંગ્લેન્ડ 1966માં એકમાત્ર વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.
ઇંગ્લેન્ડ 2014ના વર્લ્ડ કપમાં તો ગ્રૂપ સ્ટેજમાંથી પણ આગળ આવી શક્યું નહોતું જ્યારે 2016ના યુરો કપમાં તે આઇસલેન્ડ સામે હારી જતા બહાર થઇ ગયું હતું.
હવે ટીમની આશા નવા કોચ ગેરેથ સાઉથગેટ પાસેથી રહેલી છે. સાઉથગેટના જણાવ્યા પ્રમાણે તેમની પાસે નવા યુગની ટીમ છે.

England football team during a training session ahead of the FIFA World Cup 2018. Source: Alex Morton/Getty Images
"અમે યુવા ખેલાડીઓ ફક્ત એટલે જ પસંદ કરી રહ્યા નથી કે તેઓ યુવા છે પરંતુ તેઓ પોતાની પોઝીશનમાં રમવા માટે યોગ્ય છે અને તમામ ખેલાડીઓ અમારી રણનીતિમાં યોગ્ય રીતે ફીટ થાય છે.
વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલા તમામ દેશમાંથી ફક્ત ઇંગ્લેન્ડ જ એવો દેશ છે જેના તમામ 23 ખેલાડીઓ પોતાના દેશમાં ક્લબ ફૂટબોલ રમે છે.
ઇંગ્લેન્ડની મુખ્ય શક્તિ તેમનું આક્રમણ છે. ટીમમાં સ્ટ્રાઇકર અને કેપ્ટન હેરી કેન, ડેલે અલી તથા માન્ચેસ્ટર સિટી તરફથી રમતો રહીમ સ્ટર્લિંગ છે. ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત19મી જૂને ટ્યૂનિશીયા સામે રમીને કરશે.
ટ્યૂનિશીયાનો કુલ પાંચમો, 2006 બાદ પ્રથમ વર્લ્ડ કપ
ટ્યુનિશીયા એક પણ વખત ગ્રૂપ સ્ટેજમાંથી આગળ વધી શક્યું નથી. કોચ નાબિલ માલોઉલ પર ટીમને નોકઆઉટ રાઉન્ડમાં લઇ જવાનું દબાણ રહેશે. ટ્યુનિશીયાની ટીમના મોટાભાગના ખેલાડીઓ આરબ દેશોની ટીમોમાંથી ક્લબ ફૂટબોલ રમે છે.
કોચ માલોઉલના જણાવ્યા પ્રમાણે તેમની ટીમને મુશ્કેલ ડ્રો મળ્યો છે પરંતુ તેઓ પોતાની રણનીતિ સારી રીતે જાણે છે.

(L to R) Tunisia's goalkeepers Moez Ben Cherifia, Mouez Hassen, Farouk Ben Mustapha and Aymen Mathlouthi attend a training session. Source: FETHI BELAID/AFP/Getty Images
"ચોક્કસપણે તેમ લાગી રહ્યું છે કે બેલ્જિયમ તથા ઇંગ્લેન્ડ નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશશે પરંતુ અમે પણ ગ્રૂપ સ્ટેજમાંથી બહાર નીકળવાનો પૂરો પ્રયાસ કરીશું. અમે દરેક મેચ પ્રમાણે અમારી રણનીતિ ઘડીશું."
ટ્યુનિશીયાની ટીમ પવિત્ર રમઝાન માસ બાદ પોતાની પ્રથમ મેચ રમશે. કોચ માલોઉલને તેનો સંતોષ છે અને તેમના જણાવ્યા પ્રમાણે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ અગાઉ ટ્યુનિશીયાને તૈયારી કરવાની પૂરતી તક મળી રહેશે.
પનામા પ્રથમ વર્લ્ડ કપ યાદગાર બનાવવાના પ્રયાસ કરશે
આઇસલેન્ડ તથા પનામા બંને દેશ પોતાનો પ્રથમ વર્લ્ડ કપ રમી રહ્યા છે. તે આ વર્લ્ડ કપ યાદગાર બનાવવાના પ્રયાસ સાથે મેદાનમાં ઊતરશે.
જોકે તેમનું તાજેતરનું ફોર્મ તેમની તરફેણમાં નથી. તેઓ પોતાની છેલ્લી છ મેચમાંથી માત્ર એક જ મેચ જીતી શક્યા છે અને તે પણ ત્રિનીદાદ એન્ડ ટોબેગો જેવી નબળી ટીમ સામે.
કોચ હેર્નાન ડારીયો ગોમેઝના પ્રશિક્ષણ હેઠળના ચાર મિલિયનની વસ્તી ધરાવતા દેશ પનામા પાસે દેશવાસીઓ ગ્રૂપ સ્ટેજમાં શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખી રહ્યા છે.

Panama's President poses for a photo during a ceremony at the presidential palace in which the team was presented with the nation's flag in Panama City. Source: AAP Image/AP Photo/Arnulfo Franco